સુરતવાસીઓ પર આભમાંથી આફત વરસી : રાજીવનગરમાં 60 લોકોનું રેસ્ક્યુ, મેયર-સમિતિના અધ્યક્ષએ સ્થિતીનો તાગ મેળવ્યો
Heavy Rain in Surat : સુરત શહેરમાં રવિવારથી શરૂ થયેલો દેમાર વરસાદે સુરતીઓનું જનજીવન ખોરવી નાખ્યું છે. શહેરના ખાડી કિનારાના વિસ્તાર સાથે સાથે પાલિકામાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારમાં પણ વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. પાલિકાના નવા વિસ્તાર કઠોદરા, પોસાદરામાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વરસાદી પાણીથી ઘેરાયેલી સોસાયટીમાં મેયર-સ્થાયી સમિતિ અધ્યક્ષની મુલાકાત લીધી હતી અને ફસાયેલા લોકો માટે ટ્રેકટર અને બોટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન ભરાયેલ પાણીના કારણે વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુરતીઓ માટે આફત બન્યો વરસાદ, બે ખાડી ઓવરફ્લો થતાં રોડ પર પાણી ફરી વળ્યા
સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ પાલિકામાં સમાવવામાં આવેલા છેવાડાના ગામડાઓમાં પણ ભારે વરસાદના પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. પાલિકાના વરાછા ઝોનમાં સમાવિષ્ટ થયેલા પાસોદરા અને કઠોદરા સહિત અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. અનેક સોસાયટીઓમાં પાણી હોવાની ફરિયાદ બાદ સુરતના મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ સહિત કેટલાક કોર્પોરેટરો પાણી ભરાયેલા હતા તે સોસાયટીમાં ગયા હતા. લોકોને સમજાવ્યા હતા. આ ઉપરાંત વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તેમને ફૂડ પેકેટ તેમજ અન્ય જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે પાકા મકાનમાં રહેતા લોકોએ સ્થળાંતર ના પાડી હોય તેમના માટે બોટ અને ટ્રેકટરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સુરત શહેરમાં ખાડી પૂરનો ખતરો, પાલિકાની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની સાંભળી આપવીતી