સુરતમાં પ્રભારી મંત્રી-પાલિકાના પદાધિકારીઓની સંકલન બેઠકમાં ટીએસસી-આરએસીની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
સુરતમાં પ્રભારી મંત્રી-પાલિકાના પદાધિકારીઓની સંકલન બેઠકમાં ટીએસસી-આરએસીની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા 1 - image


Surat Corporation News : સુરતના પ્રભારી મંત્રી અને પાલિકાના પદાધિકારીઓ સાથે ગઈકાલે થયેલી એક બેઠકમાં ફરી એક વાર ટીએસસીનું ભૂત ધુણ્યું હતું. મ્યુનિ. કમિશનર દ્વારા ટીએસસીમાં લોએસ્ટ એજન્સી સાથે નેગોશીએશન કરે છે તે કામગીરીમાં શાસકોને વાંધો પડ્યો છે. આ પહેલાં શાસકોએ કમિશનરને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની જવાબદારી કરવાની તથા નેગોશિઍશન તેમજ ટેન્ડર દફતર કરવા અંગેની કોઇ સત્તા ન હોવાનો ઠરાવ કર્યો છે તેનો અમલ થતો ન હોવાનું કહ્યું હતું. તો બીજી તરફ મ્યુનિ. કમિશ્નરે પ્રભારી મંત્રીને પણ સ્પષ્ટ કહી દીધું હતું કે, આ કામગીરી પાલિકાના હિતમા થાય છે અને સીવીસીની ગાઈડ લાઈન પ્રમાણે જ થાય છે. આ પોલીસીમાં સરકારમાંથી અભિપ્રાય આવ્યા બાદ ફેરફાર શક્ય છે. 

સુરત પાલિકામાં ટીએસસી અને આરએસી સામે અનેક વખત પ્રશ્નો ઉઠી ચુક્યા છે. થોડા સમય પહેલાં ભાજપ શાસકોએ ટેકનીકલ સ્ક્રુટીની વહિવટી તંત્ર સ્તરે કર્યા બાદ લોએસ્ટ એજન્સી સાથે ભાવ બાબતે નેગોશિઍશન કરવાની સત્તા મનપા કમિશનરની નથી તેવા પ્રકારનો ઠરાવ કર્યો હતો. આ ઠરાવ પ્રમાણે કમિશનરને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાïની જવાબદારી કરવાની તથા ટેન્ડરોના અનુસંધાને ટેન્ડરો સાથે નેગોશિઍશન તેમજ ટેન્ડર દફતર કરવા અંગેની કોઇ સત્તા ન હોવાનું નક્કી કાયદા મુજબ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રકારનો ઠરાવ 2021માં મંજુર કરવામા આવ્યો હતો. 

ગઈકાલની સંકલન બેઠકમાં પ્રભારી મંત્રી કનુ દેસાઈની હાજરીમાં શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ સ્થાયી સમિતિના સ્પષ્ટ ઠરાવ છતાં મનપા કમિશનર દ્વારા લોએસ્ટ એજન્સીના ભાવ બાબતે નેગોશીએશન કરવાની નીતિ બંધ કરવા માટેની વાત કરી હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષે પણ લોએસ્ટ ઓફર પછી પણ તંત્ર દ્વારા થતી ભાવ અંગેની પ્રવૃત્તિ યોગ્ય નથી તેમ કહ્યું હતું. આ ઉપરાંત અન્ય દ્વારા પણ આ પ્રકારની કામગીરી થાય છે તેના કારણે સ્થાયી સમિતિમાં મહત્વ ઘટી રહ્યું હોવાનો પણ અભિપ્રાય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રભારી મંત્રીએ પણ પાલિકાના હિતમાં લોએસ્ટ એજન્સી સાથે પણ નેગોશિઍશન જરૂરી હોય તો સ્થાયી અધ્યક્ષને સાથે રાખવાનું સુચન કર્યું હતું. 

જોકે, આ મુદ્દે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે સ્પષ્ટ કહ્યું હતું કે, અત્યાર સુધી ક્યારેય કોઇ કોન્ટ્રાક્ટર સાથે ટેન્ડરના ભાવ બાબતે નેગોશિએશન વખતે પદાધિકારીને હાજર રાખવામાં આવ્યા હોવાનું બન્યું નથી. આ ઉપરાંત ટીએસસી મુદ્દે કહ્યું હતું કે, આ સીવીસીની ગાઈડ લાઈન પ્રમાણે જ કરવામા આવે છે અને પાલિકાના આર્થિક હિતને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવે છે. જો આ અંગે સરકારમાંથી લેખિતમાં જાણ કરવામા આવે ત્યારબાદ જ ટીએસસી અને લોએસ્ટ એજન્સી સાથે વાટઘાટથી ભાવમાં ઘટાડો કરવાની પોલીસમાં ફેરફાર શક્ય છે. આ ઉપરાંત આ તમામ કામગીરી પાલિકાના હિતમાં થઈ રહી હોવાની પણ મ્યુનિ. કમિશ્નરે સ્પષ્ટતા કરી હતી. 

છેલ્લા 15 વર્ષથી શાસકો ટીએસસીની કામગીરી બંધ કરાવવા પ્રશ્નો ઉઠાવે છે

સુરત પાલિકાની સ્થાયી સમિતિએ વર્ષ 2021માં ટીએસસીની કામગીરી સામે પ્રશ્ન ઉભો કરીને ઠરાવ કર્યો છે. પરંતુ પાલિકાના ભાજપ શાસકોને ટીએસસીની કામગીરી સામે આજકાલનો નહીં પરંતુ છેલ્લા 15 વર્ષનો વાંધો છે. જોકે, અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં પાલિકાના ભાજપ શાસકોને હજી ટીએસસીના અસ્તિત્વને પુરો કરવામા સફળતા મળી નથી. 

સુરત પાલિકામાં જાહેર કરવામા આવતા ટેન્ડરમાં પ્રક્રિયાના ભાગરૂપે ટેકનિકલ અને આર્થિક માર્ગદર્શન માટે અમલી બનાવેલ ટીએસસી-આરએસસી બનાવવામાં આવી છે. જેનો વિરોધ છેલ્લા પંદર વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ શાસકો દ્વારા જુદા-જુદા તબક્કે કરવામાં આવી રહ્યો છે. પાલિકામાં મ્યુનિ. કમિશનર તરીકે એસ.અપર્ણા હતા ત્યારથી જ ટીએસસીની કામગીરી બંધ કરાવવા માટે શાસકોએ પ્રયાસ કર્યો હતો અને ત્યારથી અત્યાર સુધી માત્ર પ્રયાસો જ થઈ રહ્યાં છે. 

સુરત પાલિકાએ વર્ષ 2021માં સ્થાયી સમિતિમાં વિધિવત રીતે ટીએસસીની કામગીરી અને મ્યુનિ. કમિશનર સત્તા અને જવાબદારી બાબતે સ્પષ્ટતા કરતો ઠરાવ કરવામા આવ્યો હતો.  જોકે, દરેક વખત આ કામગીરી દરમિયાન સુરત પાલિકાને આર્થિક ફાયદો થાય છે તેવો મત દરેક મ્યુનિ. કમિશનર દ્વારા રજૂ કરવામા આવતો રહ્યો છે. જેના કારણે શાસકોનો પનો ટૂંકો પડી રહ્યો છે. જો પાલિકાના ભાજપ શાસકો ટીએસીસની સિસ્ટમ બંધ કરાવવા માંગતા હોય તો સરકારમાંથી સ્પષ્ટ લેખિત ઓર્ડર કરાવ્યા વિના છૂટકો નથી તે ફરી એક વખત સાબિત થઈ રહ્યું છે.


Google NewsGoogle News