સુરતમાં BRTS બસની સંખ્યામાં ઘટાડો થતાં મુસાફરોને અનેક સમસ્યા : પાલિકાએ એજન્સીને ફટકારી નોટિસ
Surat BRTS Bus : સુરત પાલિકાના બીઆરટીએસ રૂટ પર બસ દોડાવતી એજન્સી સામે ઓછી બસ દોડાવવા તથા અનેક ગંભીર ફરિયાદ બાદ પાલિકાએ એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. પાલિકાએ હંસા એજન્સીને 50 એસી બસ દોડાવવા કોન્ટ્રાક્ટ આપ્યો પણ તેમાંથી 23 બસ બ્રેક ડાઉન છે જેના કારણે બીઆરટીએસમાં બસની સંખ્યામાં ઘટાડો થતાં મુસાફરોને બસ નથી મળતી અનેક સમસ્યા થઈ રહી હોવાથી પાલિકાએ આકરા પગલા ભરવા માટે કવાયત શરૂ કરી છે.
સુરત પાલિકામાં બીઆરટીએસ, રૂટમાં 50 એસી બસ દોડાવવા માટે હંસા વાહન ઈન્ડિયા પ્રા.લિ.ને કોન્ટ્રાક્ટ આપ્યો છે. પરંતુ એજન્સીની 23 બસ ડેપોમાં મેઈન્ટેનન્સ માટે ઉભી થઈ ગઈ છે. આજે ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ સાયણ રોડ પર આવેલા ડેપોની મુલાકાત લીધી તેમાં 23 બસ એજન્સીની બ્રેક ડાઉન હતી. આ ઉપરાંત આ એજન્સી સામે અનેક ફરિયાદ પણ છે.
હાલમાં આ એજન્સીની બસમાં એસી ચાલતા ન હોવાની અનેક ફરિયાદ છે તેની સાથે સાથે અનેક વખત ડ્રાઈવરો દ્વારા બસના દરવાજા ખુલ્લા રાખીને બસો દોડાવવામાં આવે છે તેના કારણે અકસ્માત થવાની શક્યતા છે. આવા અનેક વિડીયો વાયરલ થતા પાલિકાની ઈમેજને ધક્કો પહોંચી રહ્યો છે. આવી અનેક ફરિયાદ બાદ એજન્સીને બ્લેક લિસ્ટ કેમ ન કરવી તે માટેની નોટિસ સાથે ખુલાસો માંગવામાં આવ્યો છે.