શિક્ષણ સમિતિના 1.62 લાખ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપશે તેના પર વડા પ્રધાનનો ફોટો
શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષે સ્કુલ બેગ પર સરસ્વતી માતાના ફોટા ની માંગણી કરી
સુરત, તા. 12 માર્ચ 2024 મંગળવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલીવાર સ્કુલ બેગ અને સ્પોર્ટસ યુનિર્ફોમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિના 1.62 લાખ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવાની કામગીરીને ચારેય તરફથી આવકાર મળી રહ્યો છે પરંતુ બેગ વિતરણ થાય તે પહેલાં જ વિવાદ ઉભો થયો છે. શિક્ષણ સમિતિના વિપક્ષે સ્કુલ બેગ પર સરસ્વતી માતા નો ફોટો ની માગણી કરી છે. પરંતુ આ બેગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો મુકવામાં આવ્યો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વાર સમિતિના શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને સ્કુલ બેગ આપવાનો નિર્ણય કર્યો છે. સમિતિની શાળામાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ગણવેશ બુટમોજા અને સ્કુલ બેગ સાથે સાથે સ્પોર્ટ્સ યુનિર્ફોમ અને સ્પોર્ટસ શુઝ પણ આપવામાં આવશે. આ નિર્ણયને ચારેય તરફથી અભિનંદન આપવામાં આવી રહ્યાં છે.
શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ પણ શાસકોના આ નિર્ણયને અભિનંદન આપ્યા છે પરંતુ સાથે સાથે ગણવેશ અને બુટ મોજા વિતરણ દર વર્ષે વિલંબ થાય છે તે આ વખતે ન થાય તેની ખાતરી આપવાની માગણી કરી હતી. તેની સાથે સાથે તેઓએ શિક્ષણ સમિતિ દ્વારા સ્કુલ બેગ આપવામાં આવશે તે બેગ પર સરસ્વતી માતા નો ફોટો રાખવામાં આવે તેવી માગણી કરી છે. જોકે, 1.62 લાખ બેગમાંથી મોટા ભાગની બેગ આવી ગઈ છે અને તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ છે તેના ફોટા વિપક્ષે સામાન્ય સભામાં રજુ કર્યા હતા. આ મુદ્દે આગામી દિવસોમાં વિવાદ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.