જલેબી અને ફાફડાના ભાવમાં પ્રતિકિલો રૂ.30 થી રૂ.40નો વધારો છતાં લાઈનો લાગી
સુરત,તા.5 ઓક્ટોબર 2022,બુધવાર
દશેરાના દિવસે સુરતીઓ એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી લેતા હોય છે. પરંતુ આ વખતે ફાફડાની કિંમતમાં રૂ.૪૦ થી રૂ.૫૦નો વધારો જોવા મળી રહ્યો છે . છેલ્લા ઘણા સમયથી ખાદ્ય તેલના ભાવમાં નોંધાયેલા વધારાને લઈને આ અસર જોવા મળી રહી છે.
દશેરાને દિવસે સુરતમાં દરેક દુકાન પર ફાફડાને જલેબી ખરીદવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળે છે. લોકો કલાકો ઉભા રહીને ફાફડા જલેબીની મજા માણે છે.
પરંતુ આ વખતે જલેબી અને ફાફડાના બંનેના ભાવમાં વધારો થતા ઘરાકી ઓછી રહેવાની વેપારીઓને આશંકા છે. ગત વર્ષે તેલનો ભાવ રૂ.૨૫૦૦ હતો જે હાલ રૂ.૩૦૦૦ સુધી પહોંચી ગયો છે. જેને લઇને આ વર્ષે ભાવમાં વધારો છે.
આ અંગે ફરસાણ વિક્ર્તા અભિષેક પુજારાએ કહ્યું કે ,આ વખતે ઘરાકી ઓછી જોવા મળી રહી છે. આ વર્ષે ફાફડાના ભાવમાં રૂ.૪૦ નો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે જલેબીના ભાવમાં પણ રૂ.૩૦નો વધારો કરાયો છે.
આ વર્ષે ફાફડા રૂ.૪૮૦ પ્રતિકિલો છે. જ્યારે જલેબી રૂ.૫૦૦ પ્રતિકિલો છે. જે રીતે તેલ ઘી, ખાંડ, ચણાનો લોટના ભાવમાં વધારો થયો છે તેના કારણે ફાફડા અને જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.