સુરતના ચૌટા બજારમાં ઝીરો દબાણ રૂટની કામગીરી માટે પાલિકાનો દેખાડો, દબાણ દુર કરવાના અડધો કલાકમાં ફરી દબાણ થઈ ગયા
(ડાબી બાજુ પાલિકાની ટીમ ગઈ ત્યાર દબાણ દૂરનો ફોટો અને જમણી બાજુ ગયા બાદ)
- સુરત પાલિકાની દબાણની ટીમ ફુટેલી કારતુસ જેવા દબાણ પહેલાં જ દબાણ કરનારાને માહિતી લીક
- દબાણ દુર કરવાની કામગીરી પહેલાં જ દબાણો દુર થઈ ગયા, પાલિકાએ કેટલાક દબાણ દૂર કર્યા પણ અડધો કલાક પછી પહેલા કરતા વધુ દબાણ થઈ ગયા
સુરત,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર
સુરતના પાલ આરટીઓ-સુરત ડુમસ રોડ સહિત અનેક ઝીરો દબાણ રૂટ પરના દબાણ દૂર કરવાની કામગીરી ચૌટાબજારના ઝીરો બજારમાં આવીને ઠંડી પડી ગઈ છે. મોટા ઉપાડે પાલિકાએ ઝીરો દબાણ રૂટ પર દબાણ દુર કરવાની જાહેરાત કરી છે અને કામગીરી પણ થઈ રહી છે. જોકે આજે દબાણ માટે કુખ્યાત ચૌટા બજારમાં પાલિકાની ટીમ પહોંચી તે પહેલાં જ દબાણની ટીમ આવે છે ની બાતમી લીક થતાં ગણ્યા ગાંઠ્યા દબાણ પાલિકાએ દૂર કર્યા હતા. જોકે, આ દબાણ દુર કર્યાના અડધા કલાકમાં જ ચૌટા બજાર દબાણનું જંગલ બની ગયું હતું.
સુરત પાલિકાએ મોટા ઉપાડે ઝીરો દબાણ રૂટ પર દબાણ દુર કરવાની કામગીરી મોટા ઉપાડે શરુ કરી હતી. સુરત ડુમસ રોડ અને પાલ આરટીઓ સહિત અનેક ઝીરો દબાણ રૂટ પર પાલિકાએ આક્રમક કામગીરી કરીને દબાણ દુર કરી દીધા હતા. જેના કારણે જે વિસ્તારમાં દબાણ થયા હતા તે વિસ્તારના લોકોને રાહત થઈ હતી. પરંતુ પાલિકાની દબાણ દુર કરવાની કામગીરીની ચૌટા બજારમાં હવા નીકળી ગઈ હતી.
પાલિકાની ટીમ ચૌટા બજારમાં દબાણ દુર કરવા જાય તે પહેલાં જ પાલિકાની કામગીરીની બાતમી લીક થઈ ગઈ હતી. જેના કારણે લારી-ગલ્લાવાળાઓ દ્વારા રસ્તા પરથી દબાણ હટાવી લેવામાં આવ્યા હતા. જેના કારણે પાલિકાની ટીમને દબાણ હટાવવામાં નિષ્ફળતા મળી હતી અને જેટલા દબાણ હતા તે દબાણ દૂર કરીને સંતોષ માન્યો હતો. જોકે, પાલિકાની ટીમે ચૌટા બજારમાંથી વિદાય લીધી તેનો અડધો કલાકમાં જ પહેલા કરતાં વધુ દબાણ કરીને માથાભારે દબાણ કરનારાઓએ પાલિકાની દબાણ દુર કરવાની કામગીરીને ચેલેન્જ કરી હોય તેવું લાગી રહ્યું છે.
પાલિકાના કેટલાક કર્મચારીઓ ચૌટાબજારના દબાણને પ્રોત્સાહન આપી રહ્યાં છે તેના કારણે સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે. માથાભારે તત્વો દ્વારા ચૌટા બજારમાં અડધાથી વધારે રસ્તા પર કબ્જો કરી લેવામાં આવતાં ટુ વ્હીલર ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.