શિવાલયોમાં શ્રાવણની તૈયારી પરંતુ ધતુરા અને બીલીપત્રની અછત
સુરત, 7 ઓગસ્ટ 2021 શનિવાર
આગામી સોમવાર થી શ્રાવણ શરૂ થતા શિવાલયોમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ત્યારે ફૂલો વેંચતા વેપારીઓએ પણ તૈયારી કરી દીધી છે. શિવજીની પૂજા માટે ઉપયોગમાં લેવાતા બીલીપત્ર અને ધતુરાના ફૂલના ભાવ રૂ.5 થી લઈને રૂ.20 રહેવાની આશા માળી રાખી રહ્યા છે.
ગત વર્ષે કોરોનાને કારણે શિવાલય બંધ રહેતા શિવભક્તો મહાદેવની પૂજા કરી શક્યા ન હતા પરંતુ આ વર્ષે તેઓને સંપૂર્ણ ગાયનું પાલન કરીને મંદિરમાં પ્રવેશવા દેવા છે જેને લઇને તેમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે બીજી તરફ ફૂલો નો વેપાર કરતા વેપારીઓને પણ આશા બંધાય છે કારણકે શિવાલયોમાં મહાદેવને ચઢાવવામાં આવતા ધતુરાના ફૂલ અને બીલીપત્રને લઈને શિવ ભક્તોએ અત્યારથી જ તૈયારી કરી દીધી છે. જોકે માલની અછત વચ્ચે વેપારીઓનું માનીએ તો ધતુરાના ફૂલની એક નંગની કિંમત રૂ. 5 થી લઇને રૂ.10 તો બીલીપત્રની કિંમત રૂ.5 થી લઈને રૂ.15 સુધી જોવા મળી શકે છે.
ફૂલ વેચતા માળીએ કહ્યું કે, દર વર્ષે અમે નંગ પ્રમાણે કિંમત ચૂકવીએ છે. પાછલા વર્ષોની સરખામણીમાં કિંમતમાં ખાસ ફેર નથી. પરંતુ ખાસ કરીને બીલીપત્ર અને ધતુરા અમે માંડવી અને બીલીમોરા થી મંગાવીએ છીએ. પરંતુ ત્યાં વરસાદ વધુ હોવાને કારણે માલ ઓછો આવી રહ્યો છે.