Get The App

સુરત પાલિકાની કતારગામ ઝોનમાં નબળી પ્રિ-મોન્સુન કામગીરી : થોડા જ વરસાદમાં પાણીનો ભરાવો, વિદ્યાર્થીઓ પરેશાન

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાની કતારગામ ઝોનમાં નબળી પ્રિ-મોન્સુન કામગીરી : થોડા જ વરસાદમાં પાણીનો ભરાવો, વિદ્યાર્થીઓ પરેશાન 1 - image


Surat Pre Monsoon Work : સુરત પાલિકાના કતારગામ ઝોનના પ્રિમોન્સુન સમીક્ષા કામગીરીમાં કોર્પોરેટરો દ્વારા યોગ્ય કામગીરી થઈ ન હોવાનો બળાપો ઠાલવ્યો હતો તે ફરિયાદ સાચી સાબિત થઈ છે. કતારગામમાં નબળી પ્રિમોન્સૂન કામગીરીનો ભોગ પ્રજા બની રહી છે. અહીં પ્રિમોન્સુન કામગીરી નબળી થઈ હોવાથી થોડા વરસાદમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વિદ્યાર્થીઓને સ્કુલે અને ટ્યુશન જવામાં મુશ્કેલી પડી રહી છે. દર ચોમાસાની સમસ્યા પણ તંત્ર અને શાસકો સમસ્યાના હલ લાવવામાં નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં આજે વહેલી સવારે પડેલા વરસાદે પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલીને મૂકી દીધી છે. આ પહેલાં કતારગામ ઝોનમાં સંકલન બેઠક મળી હતી અને પ્રિમોન્સુન કામગીરીની રિવ્યુ બેઠક મળી હતી ત્યારે કોર્પોરેટરોએ કામગીરી થઈ નથી અને પાણીનો ભરાવો થશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. આ બેઠક દરમિયાન અધિકારીઓના ઉડાઉ જવાબના કારણે શાસક પક્ષના એક કોર્પોરેટર બેઠક છોડીને જતા રહ્યા હતા. ચોમાસા પહેલા સંકલન બેઠકમાં પ્રિમોન્સુન કામગીરી અંગે અનેક ફરિયાદના ઢગલા કરી દેવામા આવ્યો હોવા છતાં તંત્રની ઊંઘ ઊડી ન હતી. પાલિકાના શાસકો અને વહીવટી તંત્રમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે તેના કારણે સીધી અસર લોકોને થઈ રહી છે. 

આજે પડેલા વરસાદના કારણે કતારગામ ઝોનના હરીદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. પાણીનો ભરાવો થયો છે ત્યાં કેટલીક સ્કૂલ આવી છે તેથી વિદ્યાર્થીઓ ને સ્કુલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈને પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત આ રોડ પર પાણીના ભરાવાના કારણે નોકરી ધંધે જનારા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, સુરત સ્માર્ટ સીટી અને વિકાસશીલ શહેર છે એવી ખોટી જાહેરાતો અને બેનરોમાં મોટી મોટી વિકાસની વાતો કરી રહેલા ભાજપ શાસકો આ સ્થિતિ માટે જવાબદાર છે. વર્ષોથી આ સમસ્યા ચાલી આવે છે તેનો ઉકેલ કરવમા શાસકો અને તંત્ર નિષ્ફળ ગયું છે તેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિકો પણ આ સમસ્યાનો કાયમી હલ માંગી રહ્યા છે.


Google NewsGoogle News