સુરતમાં નબળી પ્રિ-મોન્સુન કામગીરીને કારણે અઠવા ઝોન બન્યો બેહાલ : SVNIT કોલેજની પાસે સોસાયટીઓના પાર્કિંગમાં વરસાદી પાણી ભરાયા
Surat Corporation News : સુરત પાલિકના અઠવા ઝોનની પ્રિમોન્સુન કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે. કામગીરી યોગ્ય રીતે કરી ન હોવાથી ચોમાસા દરમિયાન લોકોની હાલાકી થશે અને અનેક જગ્યાએ પાણી ભરાશે તેવો ભય કોર્પોરેટરોએ વ્યક્ત કર્યો હતો તે ગઈકાલે રાતથી સાચો પડી રહ્યો છે. ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે ખાડી કિનારે વસેલી ઝુંપડપટ્ટી સાથે સાથે પોશ ગણાતી અઠવા ઝોનમાં કેટલીક સોસાયટીમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં પાલિકાની કામગીરી સામે અનેક શંકાઓ થઈ રહી છે.
સુરત શહેરમાં ગઈકાલે રાત્રે વરસાદની ધમાકેદાર બેટિંગના કારણે સુરતીઓની હાલત કફોડી બની રહી છે. અત્યાર સુથી શહેરમાં વરસાદ પડતો હોય ત્યારે ખાડી કિનારે વસેલી વસાહત કે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થતો હતો. પરંતુ આ વર્ષે પાલિકાના એવન ગણાતા અઠવા ઝોનમાં પણ અનેક જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે.
એસવીએનઆઈટી સામે આવેલા નહેરૂનગર પોશ સોસાયટીમાંની એક સોસાયટી છે આ સોસાયટીના પાર્કિંગમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદી પાણીનો ભરાવો શરૂ થયો હતો. એક તરફ વરસાદનું જોર વધુ હતું અને બીજી તરફ પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી લોકોના બંગલાઓમાં પણ પાણી પ્રવેશી ગયા હતા. મોડી રાત્રે વરસાદનું જોર ધીમું પડતાં આ પાણીનો નિકાલ થયો હતો. પરંતુ પહેલી વાર આ બંગલાઓમાં પાણીનો ભરાવો થતાં પાલિકાની કામગીરી સામે અનેક શંકા થઈ રહી છે.