વડાપ્રધાનનું દેવસ્થાન સફાઈ અભિયાન સુરતના ભાગા તળાવ પહોંચ્યું જ નથી.. અંબા માતાના મંદિરની આસપાસ ગંદકીના ઢગલા

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાનનું દેવસ્થાન સફાઈ અભિયાન સુરતના ભાગા તળાવ પહોંચ્યું જ નથી.. અંબા માતાના  મંદિરની આસપાસ ગંદકીના ઢગલા 1 - image


- સુરતના ભાગાતળાવ એક ગલીમાં અંબા માતાનું નાના મંદિરની આસપાસ ગંદકીના ઢગલા 

- આસપાસના લોકો મંદિરની આસપાસ આડેધડ વાહનો પાર્ક કરે છે, ગંદુ પાણી પણ મંદિરમાં જાય છે સફાઈના નામે મીંડું

સુરત,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર

અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રતિમા ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને દેવસ્થાન સફાઈ અભિયાન તથા તીર્થસ્થાન સફાઈ અભિયાનની અપીલ કરી છે. વડાપ્રધાનની અપીલને પગલે ભાજપના કાર્યકરો આસપાસના મંદિરની સફાઈ અભિયાનમાં જોડાયા છે અને રોજ સોશિયલ મીડિયા પર મંદિરની સફાઈના ફોટાના ઢગલા કરી રહ્યાં છે. પરંતુ શહેરના ભાગાતળાવ વિસ્તારમાં એક ગલીમાં અંબા માતાના મંદિરની સફાઈની વાત ભાજપના કાર્યકરોને યાદ આવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનો અમલ કેન્દ્રીય મંત્રીના ઘર નજીકના મંદિરમાં થતો ન હોય આ મંદિર ન ઘણિયાતું હો તેવું બની ગયું છે. 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ મંદિરોમાં પણ સફાઈ થાય તે માટે દેવસ્થાન અને તિર્થસ્થાન સફાઈ અભિયાનની અપીલ કરી છે. વડાપ્રધાનની અપીલ બાદ ભાજપના નેતાઓ, કોર્પોરટેરો, ધારાસભ્યો, શિક્ષણ સમિતિના સભ્યો અને ભાજપના હજારો કાર્યકરો વિવિધ મંદિરોની સફાઈ માટે મંડી પડ્યા છે. રોજ સાંજ પડે ને સોશિયલ મીડિયા ભાજપના નેતાઓ અને કાર્યકરોની મંદિર સફાઈ અભિયાન થી ઉભરાઈ રહ્યા છે. 

વડાપ્રધાનનું દેવસ્થાન સફાઈ અભિયાન સુરતના ભાગા તળાવ પહોંચ્યું જ નથી.. અંબા માતાના  મંદિરની આસપાસ ગંદકીના ઢગલા 2 - image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ સુરત સહિત દેશના અનેક મંદિરોમાં સ્વચ્છતા જોવા મળી રહી છે. પરંતુ દીવા તળે અંધારું હોય તેમ સુરત શહેરના કોટ વિસ્તારમાં કેન્દ્રીય રેલ મંત્રી દર્શના જરદોશના મત વિસ્તાર અને તેમના ઘર નજીકમાં જ એક મંદિરની હાલત કફોડી બની ગઈ છે. ભાગાતળાવ જનતા માર્કેટથી સોની ફળિયા તરફ જતી ગનીભાઈની ગલી નામે ઓળખાતી ગલીમાં વર્ષોથી અંબા માતાજીની નાનકડી ડેરી છે. પરંતુ અહી સફાઈ માટે ભાજપનો કોઈ નેતા કે કાર્યકર ફરકી શક્યો નથી.

 આ મંદિર નાનુ છે તેની આસપાસ આડેધડ ગાડીઓ પાર્ક કરવામા આવે છે અને મંદિર દેખાઈ પણ નહી તેવી હાલત છે. આ ઉપરાંત લોકો ગંદુ પાણી રોડ પર નાંખે છે તે પાણી પણ આ મંદિરની અંદર જઈ રહ્યું છે. આસપાસના લોકો ઘરમાંથી કચરો ફેંકે છે તે પણ આ મંદિર પર પડે છે. જોકે, થોડા સમય પહેલા આ મંદિરને જાળીથી કવર કરવામા આવ્યું  છે. પરંતુ આજે પણ આ મંદિર પર રોજ ગંદો કચરો પડી રહ્યો છે તેની સફાઈ પણ થઈ શકતી નથી.

આવી સ્થિતિમાં આ મંદિરની હાલત પાકિસ્તાનમાં હો તેવી થઈ ગઈ છે આસપાસ ભારે દબાણ અને ગંદકી હોવા સાથે લઘુમતિ વિસ્તાર હોવાથી લોકો અહીં પૂજા માટે પણ આવી શકતા નથી. આજે જ્યારે શહેર અને દેશના અનેક મંદિરોની સફાઈ વડાપ્રધાનની હાકલ પર થઈ રહી છે ત્યારે ભાગા તળાવ વિસ્તારમાં આવેલા આ મંદિર ની સફાઈ માટે ભાજપના નેતા- કાર્યકરો કેમ પહોંચ્યા નથી તે મોટો સવાલ છે. દેશભરમાં રામ મંદિરમાં  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે સુરતના ભાગા તળાવ મંદિરમાં સફાઈ કરી આ મંદિરને સન્માન આપવામા આવે તો જ વડાપ્રધાનની અપીલનો સાચો અમલ ભાજપના કાર્યકરોએ કરેલો હોવાનું સાર્થક થશે.


Google NewsGoogle News