સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે LED સ્ક્રીનનું આયોજન
- અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સુરતીઓ ઉતાવળા બન્યા
- એક રહેણાંક સોસાયટીએ આસપાસના પરિવાર તથા સોસાયટીમાં કામ કરતા વોચમેન, સફાઈ કામદાર અને ગાર્ડન મેન સહિત અનેકને ચોખ્ખા ઘી ના લાડુના પ્રસાદનું વિતરણ કર્યું
સુરત,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર
આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની સુરતીઓ સહિત પુરો દેશ આતુરતાથી રાહ જોઈએ રહ્યો છે. અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સુરતીઓ ઉતાવળા બન્યા છે. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે એલઈડી સ્કીન માટે આયોજન કરવામા આવ્યું છે. તો બીજી તરફ એક રહેણાંક સોસાયટીએ આસપાસના પરિવાર તથા સોસાયટીમાં કામ કરતા વોચમેન, સફાઈ કામદાર અને ગાર્ડન મેન સહિત અનેક ને ચોખ્ખા ઘી ના લાડુના પ્રસાદનું વિતરણ કર્યું હતું.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળવા સાથે રામલલ્લા ના દર્શન કરવા માટે અનેક સુરતીઓ અયોધ્યા પહોંચ્યા છે. કેટલાક સુરતીઓ અયોધ્યા ખાતે ચાલતા યજ્ઞમાં યજમાન બનીને યજ્ઞમાં પુજા કરી રહ્યાં છે. પરંતુ અનેક સુરતીઓ આ દિવસે અયોધ્યા જઈ શકે તેમ ન હોવાથી અનેક રહેણાંક સોસાયટીઓમાં 22 જાન્યુઆરીએ સામુહિક રીતે ભેગા થઈને એલ.ઈ.ડી સ્ક્રીન કેમ્પસમાં લગાડીને આખા કેમ્પસ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જોવા સાથે આ દિવસે સાથે પ્રસાદી લેવા માટે આયોજન કર્યું છે.
શહેરના જૈન સમાજ દ્વારા પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પાલ વિસ્તારમાં આવેલા રાજહંસ એલીટાના જૈન સંઘના પ્રમુખ નિરવ શાહ કહે છે, ભગવાન રામચંદ્રજીના અયોધ્યા મંદિરના ૫૦૦ વર્ષના સંકટ સમયબાદ પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી છે તેવા સિંહ સ્વરૂપી શ્રીરામચંદ્રજી સમગ્ર લોકોની આસ્થાનું ધામ છે, આરાધ્ય છે. શ્રી રામચંદ્રજી નું જીવન ભારતીય સંસ્કૃતિના મુલ્યોની ધરોહર છે. વિનય, વિવેક, સીલ, સદાચાર અને મર્યાદાએ જાગતી પાઠશાળા છે. ત્યારે જૈન સમાજમાં પણ ખૂબ જ ઉમંગ-ઉત્સવ ની લાગણી પ્રસરી રહી છે.જેને અનુસંધાનમાં જૈન સમાજમાં પણ ખૂબ જ ઉમંગ-ઉત્સવની લાગણી પ્રસરી રહી છે. જેના ઉપલક્ષમાં એલીટા જૈન સંઘ દ્વારા રાજહંસ એલીટા અને આજુબાજુના તમામ પરિવારમાં શુદ્ધ ધીના બનાવેલા લાડુના બોક્ષનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તમામ જૈન દેરાસરો પર રોશની કરવામાં આવી રહી છે અને તે દિવસે તમામ જૈન ઉપાશ્રયમાં ગુરુભગવંતો નિશ્રામાં આ ભવ્ય પ્રસંગ નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે પ્રતિષ્ઠાના સમયે નવકાર મહામંત્ર નો જાપ કરવામાં આવશે. ઉપરાંત જૈન ધર્મના ધર્મગુરૂઓ પણ શ્રી રામચંદ્રજીના પ્રતિષ્ઠા પ્રસંગે શુભાશિષ પત્રો પાઠવી રહ્યા છે.
સમસ્ત જૈન સમાજ દ્વારા આ ઐતિહાસિક અયોધ્યામાં રામ ચંદ્રજીની પ્રતિષ્ઠા મહોત્સવ ની અનેક ઘણી શુભકામના પાઠવી રહ્યા છે.
આમ સુરતમાં જૈન સમાજ દ્વારા પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવામાં આવી રહ્યા ંછે તેની સાથે અનેક સોસાયટીઓમાં પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.