Get The App

કોટ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દુર કરવા અશાંતધારાના અમલ માટે લોકોનો ધારાસભ્યના ઘરે હલ્લો

Updated: Apr 23rd, 2023


Google News
Google News
કોટ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દુર કરવા અશાંતધારાના અમલ માટે લોકોનો ધારાસભ્યના ઘરે હલ્લો 1 - image


અશાંત ધારાનો અમલ અને ગેરકાયદે દબાણ મુદ્દે કોટ વિસ્તારના લોકોમાં ભારેલો અગ્નિ

કોટ વિસ્તારના લોકોએ પુર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા ના ઘરે મોરચો લઈ ગયા : કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ  કરવા માગણી

સુરત, તા. 23 એપ્રિલ 2023 રવિવાર

સુરતના કોટ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ગેરકાયદે દબાણ મુદ્દે લોકોનો રોષ આજે ફરી એક વાર ફાટી નિકળ્યો  હતો. ગત સપ્તાહ માથાભારે દબાણ કરનારાઓ અને સ્થાનિકો વચ્ચે બખેડો થયા બાદ પણ દબાણ ની સમસ્યા દૂર ન થતાં આજે કોટ વિસ્તારના લોકો ધારાસભ્યના ઘરે જઈને હલ્લો મચાવ્યો હતો.ધારાસભ્યના ઘરે ભેગા થયેલા લોકોએ અશાંતધારાના નિયમોનો છડેચોક ભંગ થઈ રહ્યો છે તેને અટકાવવા સાથે કોટ વિસ્તારને દબાણની સમસ્યાથી દુર કરવા માટેની માગણી કરી હતી. અચાનક જ લોકોના ટોળા ધારાસભ્યના ઘરે પહોંચી જતાં રાજકારણ ગરમાયું હતું. 

સુરત શહેરના રાજમાર્ગ  અને કોટ વિસ્તારમાં માથાભારે દબાણ કરનારા નો કબજો થઈ ગયો છે. માથાભારે દબાણ કરનારાઓ રાજમાર્ગ અને કોટ વિસ્તારને બાનમા લઈ રહ્યાં છે. જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો અને માથાભારે દબાણ કરનારાઓ વચ્ચે ઘર્ષણ થાય છે. ગત સપ્તાહમાં આ મુદ્દે મોટી બબાલ થઈ હતી અને  બન્ને પક્ષે હુમલો કરતાં  શહેરની શાંતિ જોખમાય તેવા સંજોગો ઉભા થયા હતા.  આ બનાવ બાદ પણ શહેરના ચોટા બજાર, કોટ વિસ્તારની અનેક જગ્યા પર દબાણ દૂર થવાના બદલે વધી ગયા છે. આ ઉપરાંત દબાણ કરનારા ની દાદાગીરી વધી રહી છે જેના કારણે કોટ વિસ્તારમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે અને લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે.

કોટ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દુર કરવા અશાંતધારાના અમલ માટે લોકોનો ધારાસભ્યના ઘરે હલ્લો 2 - image

અત્યાર સુધી એકલ દોકલ લોકો દબાણ નો વિરોધ કરતા હતા પરંતુ આ દરમિયાન અશાંત ધારાનો મુદ્દો પણ ઉચકાતા લોકો ભેગા થયા છે. ભેગા થયેલા લોકોએ આ અંગે ભૂતકાળમાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તેનો હલ આવ્યો નથી તેના કારણે આ લોકો આજે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા ના ઘરે પહોંચી ગયા હતા. ભેગા થયેલા લોકોએ રીતસરના હલ્લો મચાવ્યો હતો અને દબાણ અને અશાંત ધારા મુદ્દે પોતાનો રોષ ઠાલવ્યો હતો.  ધારાસભ્ય રાણાએ  બધાને શાંતિથી સાંભળી સમસ્યાના હલ માટે ની ખાત્રી આપી છે. જોકે, આજે પણ દબાણ ની સમસ્યા હોવાથી લોકોમાં આ અંગે આક્રોશ જોવા મળ્યો છે. લોકો માગણી કરી રહ્યાં છે કે ચોટા બજાર અને કોટ વિસ્તાર કાયમી ધોરણે દબાણ મુક્ત કરવામાં આવે અને માથાભારે દબાણ કરનારાઓ સામે આકરાં પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં અશાંતધારાના અમલની કામગીરી પણ યોગ્ય થતી નથી તેથી અશાંત ધારાનો અમલ પણ કડકાઈથી થાય તેવી માગણી લોકો કરી રહ્યાં છે.

Tags :