સુરતના પાંડેસરામાં ગુજરાત હાઉસીંગ બોર્ડની પાણીની ટાંકી વાળા રોડ પર રખડતા ઢોરનો ત્રાસ લોકો ત્રાહિમામ
- પાલિકા રખડતા ઢોર નિયંત્રણ માટે કામગીરી કરે છે પણ રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે
સુરત,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર
સુરત પાલિકા દ્વારા રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. પરંતુ પાલિકા તંત્રનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેમ શહેરના અનેક રહેણાંક વિસ્તારમાં હવે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. સ્થાનિક ફરિયાદ કરે તો માથાભારે પશુપાલકો ઝઘડો કરતા હોય લોકો ફરિયાદ કરતાં અચકાઈ રહ્યા છે તેના કારણે રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા જોતાં કોર્ટ દ્વારા આદેશ આપ્યા બાદ કામગીરી સઘન બનાવવામાં આવી છે. જોકે, પાલિકાની આ કામગીરીને પગલે કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ ઓછો થયો છે. પરંતુ હવે રહેણાંક વિસ્તારમાં આ ત્રાસ શરુ થયો છે. શહેરના પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ પાણીની ટાંકી વાળો રોડ રહેણાંક વિસ્તાર છે અને હજારો લોકોની અવર જવર થાય છે. તેવા રોડ પર રોજ રખડતા ઢોરની અવર જવર થઇ રહી છે. લોકો વચ્ચે રખડતા ઢોર પસાર થતા હોવાથી અનેક વખત વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. તો રાહદારીઓ પણ ઢોરના દુષણથી ત્રાસી ગયા છે. આ રોડ સપુર્ણ રહેણાંક અને દુકાનવાળો છ અને હજારો લોકોની અવર જવર રોજ થાય છે તેવા રોડ પરથી ઢોર પસાર થાય છે તેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. આ અંગે લોકો અવાજ ઉઠાવે તો માથાભારે પશુપાલકો તેમની સાથે ઝઘડો કરી રહ્યાં છે. આવી સ્થિતિને કારણે લોકોની હાલત કફોડી થઈ રહી છે. તેથી આ રખડતા ઢોરનું દુષણ આ વિસ્તારમાંથી પણ દૂર થાય તેવી માગણી થઈ રહી છે.