Get The App

સુરત પાલિકાના પે એન્ડ પાર્ક એટલે કૌભાંડનો અખાડો : કિરણ ચોક પે એન્ડ પાર્કમાં ખાણીપીણીના સ્ટોલ ધારકોનો કબજો

Updated: Mar 13th, 2023


Google NewsGoogle News
સુરત પાલિકાના પે એન્ડ પાર્ક એટલે કૌભાંડનો અખાડો : કિરણ ચોક પે એન્ડ પાર્કમાં ખાણીપીણીના સ્ટોલ ધારકોનો કબજો 1 - image


- પે એન્ડ પાર્કમાં ખાણી પીણીની લારીઓ અને લોકો વાહનો રસ્તા પર પાર્ક કરતા ટ્રાફિકની સમસ્યા : અઠવા ઝોન ગૌરવ પથ પર પણ પે એન્ડ પાર્કના ધંધાદારી ઉપયોગ થતો હોવાની ફરિયાદ

સુરત,તા.13 માર્ચ 2023,સોમવાર

સુરત મહાનગર પાલિકાએ રસ્તા પર આડેધડ પાર્ક  થતાં વાહનોનું દૂષણ ડામવા અને પાલિકાની આવકમાં વધારો કરવા માટે પે એન્ડ પાર્ક તથા ઓન સ્ટ્રીટ પાર્કિંગના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. પરંતુ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો કમાઈ લેવાની લ્હાયમાં નિયમો નેવે મુકી રહ્યાં છે. હાલમાં વરાછા ઝોનના કિરણ ચોક પે એન્ડ પાર્કમાં ખાણી પીણીની લારીઓનો કબજો થઈ ગયો છે.  આ ખાણી પીણીની લારીઓ અને સ્ટોલ પર આવતા લોકો જાહેર રસ્તા પર વાહન પાર્ક કરી રહ્યાં છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. વરાછાની જેમ પાલિકાના અઠવા ઝોનમાં પણ પે એન્ડ પાર્કમાં ખાણી પીણીના વાહનો ઉભા રહેતા હોવાની પણ ફરિયાદ બહાર આવી રહી છે. 

સુરત પાલિકાના પે એન્ડ પાર્ક એટલે કૌભાંડનો અખાડો : કિરણ ચોક પે એન્ડ પાર્કમાં ખાણીપીણીના સ્ટોલ ધારકોનો કબજો 2 - image

પાલિકાના વરાછા ઝોનમાં કિરણ ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે તેથી પાલિકાએ આ વિસ્તારમાં એક પ્લોટમાં પે એન્ડ પાર્ક જાહેર કરીને તેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. હાલમાં ગરમી વધતા શહેરમાં આઈસ ડીશ અને ખાણી પીણીની લારીઓ વધી રહી છે. આ પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરે પાલિકાની શરતોનો ભંગ કરીને પે એન્ડ પાર્કમાં જ આઈસ ડીશની લારીઓ ઉભી રખાવી દીધી છે. આવા લોકો પાસે પાલિકાના કોન્ટ્રાક્ટર પૈસા વસુલ કરી રહ્યાં છે અને અહીં આવતાં લોકો પોતાના વાહનો રસ્તા પર જ પાર્ક કરી રહ્યાં છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે.

સુરત પાલિકાના પે એન્ડ પાર્ક એટલે કૌભાંડનો અખાડો : કિરણ ચોક પે એન્ડ પાર્કમાં ખાણીપીણીના સ્ટોલ ધારકોનો કબજો 3 - image

પાલિકાએ ભાડે આપેલા પ્લોટના જ હેતુ ફેર કરીને તેનો ઉપયોગ થતો હોવાની સ્થાનિકોની ફરિયાદ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. પાલિકાના પે એન્ડ પાર્કમાં ખાણી પીણીની લારીઓનો કબજો છે અને તે નિયમો વિરુદ્ધ હોવા છતાં પણ પાલિકા તંત્ર કોઈ પગલાં ભરી રહ્યું નથી. વરાછા ઝોનના એ પે એન્ડ પાર્કની જેમ જ અઠવા ઝોનના ગૌરવ પથ પરના પે એન્ડ પાર્કમાં પણ આ પ્રકારનું દુષણ જોવા મળે છે. આ વિસ્તારમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો બેફામ બની વાહન ચાલકોને ઇલેક્ટ્રિક મશીનની રસીદની જગ્યાએ મેન્યુઅલ રસીદ આપવામાં આવ છે. આ ઉપરાંત અહીં પણ વરાછાની જેમ પે એન્ડ પાર્કની જગ્યાએ ખાણી પીણીના વાહનો ઉભેલા જોવા મળે છે. આ કિસ્સામાં રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની પણ એમાં સંડોવણી હોવાના કારણે પાલિકા તંત્ર કોઈ પગલાં ભરતા ન હોવાથી સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. 

પાલિકાના પે એન્ડ પાર્કમાં  ખાણી પીણીના વાહનોનો કબ્જો હોવાથી ત્યાં ખાણી પીણી કરવા આવતાં લોકો રસ્તા પર જ વાહનો પાર્ક કરી દેતાં હોય છે તેથી પાલિકાનો ટ્રાફિકની સમસ્યા દુર કરવાનો હેતુ બર આવતો નથી. જેના કારણે પે એન્ડ પાર્કનો હેતુ ફેર કરીને કરાતો ઉપયોગ રોકવા માટે માગણી થઈ રહી છે.


Google NewsGoogle News