સુરત પાલિકાના સીટી બસનો દરવાજો લોક થતા મુસાફરો ડ્રાઈવર કેબિનમાંથી નીકળ્યા

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાના સીટી બસનો દરવાજો લોક થતા મુસાફરો ડ્રાઈવર કેબિનમાંથી નીકળ્યા 1 - image


- સામુહિક પરિવહન સેવા પાછળ કરોડોનો ખર્ચ છતાં સવારી સલામત નથી 

- અડાજણ ઋષભ ચાર રસ્તા પાસે સીટી બસનો દરાવાજો ખોટકાઈ સેન્ટ્રલ લોક થઈ જતાં મુસાફરોમાં ગભરાટ : જો બસમાં આગ લાગી કે અકસ્માત થાય તો શું થાય તેની કલ્પના જ કરવી મુશ્કેલ

સુરત,તા.27 માર્ચ 2024,બુધવાર

સુરત પાલિકા દ્વારા શહેરમાં સામુહિક પરિવહન સેવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ પાલિકાની સીટી અને બીઆરટીએસ બસના ઓપરેટરોની લાપરવાહીના કારણે સામુહિક પરિવહન સેવા વિવાદમાં આવી રહી છે. આ પહેલાં ડ્રાઈવર કન્ડક્ટર કારણે વિવાદ થયો હતો. આજે પાલિકાની બસના મેઇન્ટેનન્સના મુદ્દે મોટો વિવાદ થયો છે. પાલિકાની બસનું મેઈન્ટેનન્સ યોગ્ય રીતે થતું ન હોય આજે એક બસમાં મુસાફરી કરતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સુરતના અડાજણ ઋષભ ચાર રસ્તા પાસે સીટી બસનો દરવાજો ખોટકાઈ સેન્ટ્રલ લોક થઈ જતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો ત્યાર બાદ ગભરાયેલા મુસાફરોએ ડ્રાઈવર કેબિનમાંથી બહાર નીકળવું પડ્યું હતું. 

સુરત પાલિકાની સામુહિક પરિવહન સેવાના તબક્કાવાર સુધારા કરવા સાથે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

 

પાલિકા સામુહિક પરિવહન સેવા વિસ્તારવા સાથે સાથે પર્યાવરણનો ખ્યાલ રાખી ઈલેક્ટ્રિક બસ સતત વધારી રહી છે. 2025 સુધીમાં સુરત પાલિકાના તમામ બસ સીટી બસ હોય તેવું આયોજન થઈ રહ્યું છે. જેના અનુસંધાને છેલ્લા ચાર મહિનામાં સુરતમાંથી 340 ડીઝલ બસ ખસેડી લેવામાં આવી છે. હજી પણ સુરતમાં 425 જેટલી ડીઝલ બસ સીટી અને બીઆરટીએસ રૂટ પર દોડી રહી છે તેને વર્ષ 2025 ના અંત સુધીમાં ઓપરેશનમાંથી દુર કરીને તેની જગ્યાએ બસ મુકવા માટે કવાયત થઈ રહી છે. જોકે, હાલ જે સીટી બસ દોડી રહી છે તેના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ યોગ્ય રીતે થતું ન હોય તેવો આક્ષેપ આજની ઘટના પરથી થઈ રહ્યો છે. 

સુરત પાલિકાની સીટી બસમાં અત્યાર સુધી અનિયમિત હોવા સાથે ટિકિટ ચોરી થતી હોવાની ફરિયાદ હતી પરંતુ આજે અડાજણ વિસ્તારમાં ઋષભ ચાર રસ્તા પરથી પસાર થતી એક બસ ખોટકાઈ ગઈ હતી. બસ બંધ થયા બાદ ડ્રાઈવરે બસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ત્યારબાદ મુસાફરોને ચઢવા ઉતરવાનો દરવાજો છે તે સેન્ટ્રલ લોક થઈ ગયો હતો. મુસાફરો દરવાજાથી ઉતારવાનો પ્રયાસ કરતા હતા પરંતુ દરવાજો ખુલ્યો ન હતો તેથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. દરવાજો ન ખુલતા મુસાફરો ગભરાઇ ગયા હતા ગભરાયેલા મુસાફરોએ બહાર નિકળવા માટે ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ દરવાજો ખુલ્યો જ ન હતો. દરવાજો ન ખુલતા ડ્રાઈવર કેબિનનો દરવાજો ખોલીને મુસાફરો એક બાદ એક બહાર નીકળ્યા હતા. 

આ ઘટના બાદ પાલિકાની સીટી બસનું મેઇન્ટેનન્સ યોગ્ય રીતે ન થતી હોવાની ફરિયાદ થઈ રહી છે. જો બસ ખોટકાઈ તેની સાથે જો આગ લાગી હોત તો મુસાફરોને બચાવવા મુશ્કેલ પડી શક્યા હોત તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.


Google NewsGoogle News