સુરત: વરાછા ગરનાળા નજીકની જગ્યાનો કબ્જો લઈ બોટલનેક દુર થતા પાલિકા-પોલીસને થોડી રાહત
- મેટ્રોની કામગીરી માટે લંબે હનુમાન ગરનાળુ બંધ કરતા ટ્રાફિકની સમસ્યા વધી
- પાલિકાએ તાત્કાલિક કબ્જો લઈ રોડ બનાવી દેતાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યામાં હળવી થઈ
સુરત, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
સુરત મ્યુનિ. તંત્રએ ટ્રાફિકની સમસ્યાનો હલ કરવા માટે વરાછા રોડ ગરનાળા બહાર થથા બોટલનેકની જગ્યા રેલ્વે વિભાગ પાસે લીઝ પર લીધી છે. આ જગ્યાનો કબ્જો પાલિકાએ લીધાના બે ત્રણ દિવસમામં જ લંબે હનુમાન રોડ ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું હતું. જેના કારણે પાલિકાએ કબ્જો લઈન બોટલનેક દુર કર્યું તે રસ્તો વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવાતાં પાલિકા અને પોલીસ તંત્ર બન્નેને રાહત થઈ છે. જો આ જગ્યાનો કબ્જો ન લેવાયો હોત તો ટ્રાફિકની સમસ્યા વકરી હોત અને લોકોની ભારે હાલાકી થઈ હોત.
સુરતમાં મેટ્રોની કામગીરીના કારણે સુરત રેલ્વે સ્ટેશનના લંબે હનુમાન ગરનાળા સહિત અનેક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામા આવ્યા છે. સંખ્યાબંધ રસ્તાઓ બંધ કરાતા શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. શહેરના કોટ વિસ્તારમાં મેટ્રોના કારણે બંધ થયેલા રસ્તાના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. તેમાં પણ રાજ માર્ગ પર ટ્રાફિક જામ થતાં વેપારીઓએ પાલિકા પર હલ્લાબોલ કર્યું હતું.
હાલમાં મેટ્રોના કામના કારણે શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે પરંતુ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં વધુ વકરતી સમસ્યાને પાલિકાએ લીધેલો કબ્જો રાહતરૂપ સાબિત થયો છે.
વરાછા ગરનાળા અને પોદાર આર્કેડ વસ્ચેની 301 ચો.મી. જગ્યા પાલિકાએ રેલ્વે પાસે 35 વર્ષના ભાડા પટ્ટે 2.83 કરોડનું પ્રિમિયમ ભરીને લીધી છે. આ જગ્યાનો કબ્જો મળતાં સાથે જ પાલિકાએ ડિમોલીશન કરીને રસ્તો પણ બનાવી દીધો છે. આ રસ્તો બની ગયાંના બે દિવસ બાદ જ લંબે હનુમાન રોડ ગરનાળું બંધ થઈ જતાં નવો ટ્રાફિકની સમસ્યા વધુ વકરતી હતી તે અટકી ગઈ છે. જોકે, હજી પણ લંબે હનુમાન રોડ ગરનાળું બંધ થતાં ટ્રાફિક સમસ્યા વધી છે પરંતુ તેમાં થોડી રાહત થઈ છે.