Get The App

ગરમીથી શેકાતા સુરતીઓ પાવર કાપ થી ત્રાહિમામ : પાલ, પાલનપોર, ઉગત વિસ્તારમાં વારંવાર વીજકાપથી લોકોમાં ભારે આક્રોશ

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
ગરમીથી શેકાતા સુરતીઓ પાવર કાપ થી ત્રાહિમામ : પાલ, પાલનપોર, ઉગત વિસ્તારમાં વારંવાર વીજકાપથી લોકોમાં ભારે આક્રોશ 1 - image


Power Outrage Surat : સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટમાં લોકો ગરમીથી શેકાઈ રહ્યાં છે તો બીજી તરફ વીજ કંપની દ્વારા અપાતો વીજ સપ્લાયમાં વારંવારના વિક્ષેપના કારણે લોકો ત્રાહિમામ થઈ રહ્યાં છે. સુરતના પાલ-પાલનપોર અને ઉગત સહિત અનેક વિસ્તારમાં વીજ કંપની દ્વારા પાવર સપ્લાય કરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારોમાં વારંવારનો પાવર કાપ લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે. લોકો દ્વારા વીજ કંપની પર ફોન કરવામાં આવે છે પરંતુ સંતોષકારક જવાબ નહીં મળતાં લોકોનો પારો સાતમા આસમાન પર પહોંચી રહ્યો છે. 

સુરતમાં હાલ આકરી ગરમી પડી રહી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે . સુરતમાં આગામી 25 મે સુધીમાં હજી ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે. સુરત પાલિકા અને સરકારે લોકોને ગરમીથી બચવા માટે ગાઈડ લાઈન જાહેર કરી છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે બાળકો, વડ઼િલો અને સગર્ભા મહિલાઓ બપોરના સમયે ઘરની બહાર ન નિકળે તે હિતાવહ છે. સરકારની આ ગાઈડ લાઈનનો અમલ કરીને મોટાભાગના લોકો દિવસ દરમિયાન ઘરે રહેવાનું જ પસંદ કરે છે આ ઉપરાંત રાત્રે પણ ઘરે જ રહે છે.

 લોકો ગરમીથી બચવા માટે સરકારી તંત્રની ગાઈડ લાઈનનો અમલ કરે છે તો બીજી તરફ વીજ કંપની રેઢિયાળ કામગીરી લોકોને ગરમીમાં વધુ મુશ્કેલી ઉભી કરી રહી છે. પાલ- પાલનપોર અને ઉગત સહિત અનેક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની પાવર સપ્લાય કરે છે તેવા વિસ્તારમાં દિવસે અને રાત્રીના સમયે થોડો થોડો સમય વીજળી ગુલ થઈ જાય છે. આકરી ગરમીમાં વીજળી ડૂલ થઈ જતા લોકોની હાલત વધુ કફોડી થઈ રહી છે.

 દિવસથી ગરમીથી કંટાળેલા લોકો માંડ રાત્રીના આરામથી ઉંઘ શરૂ કરે ત્યાં વીજ કંપનીના ધાંધીયા શરૂ થઈ જાય છે અને રાત્રી દરમિયાન થોડો થોડો સમય પાવર કાપ થઈ જાય છે. હાલ કોઈ ભારે પવન  કે વરસાદ ન હોવા છતાં પાવર કટ થતાં લોકોને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. લોકો વીજ કંપનીમાં ફોન કરે છે ત્યાંથી સંતોષકારક જવાબ મળતો ન હોવાથી લોકોનો રોષ વધી રહ્યો છે. હાલ ગરમીમાં લોકો સેકાઈ રહ્યા છે ત્યારે વીજ કંપની દ્વારા સળંગ પાવર આપવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.



Google NewsGoogle News