સામાન્ય સભામાં થયેલી કોમેન્ટના પડઘા સુરત પાલિકાની કચેરીએ પડ્યા : વિપક્ષની મહિલા કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા
- ગાર્ડન સમિતિના રાઉન્ડ પહેલા વિપક્ષની મહિલા કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા
- ભાજપના કોર્પોરેટર રાજેશ ઉનડકટને બંગડી આપવાનો પ્રયાસ કરાયો
- કેજરીવાલ સહિત આપના નેતાઓ જેલમાં છે તેથી વિપક્ષ નાસીપાસ થઈ ખોટો હોબાળો મચાવે છે, ઉનડકટ
સુરત,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંસાબેન પરમારના નામની કરવામાં આવેલી કોમેન્ટનો પડઘો આજે પાલિકાના દરવાજે પડ્યો હતો. ગાર્ડન સમિતિની બેઠક પહેલા વિરોધ પક્ષના મહિલા કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટરનો ઘેરો ખાલી તેમની વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી છે, મહિલાઓનું અપમાન કર્યું છે તેમ કહીને ભાજપના કોર્પોરેટરને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે ભારે હોબાળો થતા સિક્યુરિટીએ વચ્ચે આવી મામલો શાંત કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં આપના નેતા અરવિંદ કેજરીવાલ વિરોધ કરવામાં આવેલી ટિપ્પણી અને મહિલા કોર્પોરેટર માટે હંસાબેન ભરતભાઈ પરમારના નામની કોમેન્ટ કરવામાં આવી હતી. આ મુદ્દે પાલીકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો અને મામલો શાંત પડ્યો હતો.
જોકે આ ટિપ્પણીનો પડઘો આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના દરવાજે પડ્યો હતો. ગાર્ડન સમિતિ દ્વારા આજે વિવિધ ગાર્ડનના રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. ગાર્ડન સમિતિમાં ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ હતા અને તેઓએ મહિલા વિરુદ્ધ કોમેન્ટ કરી મહિલાનું અપમાન કર્યું હતું એવા આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયા અને અન્ય મહિલા કોર્પોરેટરે તેમની વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા અને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે ભારે પાલિકામાં સિક્યુરિટી સ્ટાફ વચ્ચે પડ્યો હતો અને માંડ મામલો થાળે પડ્યો હતો.
આ મુદ્દે ભાજપના વ્રજેશ ઉનડકટએ કહ્યું હતું કે મેં કોઈપણ અપમાનજનક શબ્દો કહ્યા નથી. અને વિપક્ષી નેતા મને બંગડી પહેરવાની વાત કરે છે તેઓ પહેલા પોતે બંગડી પહેરે. આ ઉપરાંત કેજરીવાલ સહિત અનેક નેતાઓ સામે પોલીસ કેસ છે અને આપના નેતાઓ જેલ ભેગા થઈ ગયા છે તેથી આપના નેતાઓ બોખલાઈ ગયા છે અને આવા ગતકડા કરી રહ્યા છે.