બજેટ બોર્ડ બાદ આજે ફરી એક વાર સુરત પાલિકાના વિપક્ષએ ઘરેથી ટિફિન લાવી ભોજન કર્યું
- સુરત પાલિકાના વિપક્ષ પ્રજાના પૈસાની ગાડીનો ઉપયોગ કરે પણ ભોજન સમારંભનો કર્યો બહિષ્કાર
- પાલિકાના વિપક્ષની નિમણુંક બાદ ફોન અને ગાડી લેવાની ના પાડી હતી ત્યાર બાદ ગાડીનો ઉપયોગ શરૂ કયો હતો
સુરત,તા.25 ઓગસ્ટ 2023,શુક્રવાર
સુરત મહાનગરપાલિકા વિપક્ષ પ્રજાના પૈસાની ગાડીનો ઉપયોગ કરે પણ ભોજન સમારંભનો બહિષ્કાર કરે છે તેવું બજેટની સભા બાદ ફરી એક વાર મળ્યું છે. પ્રજાના વેરાના પૈસાથી મળતા તમામ ભથ્થા વિપક્ષ લે છે પ્રજાના વેરામાંથી આવતી ગાડીનો ઉપયોગ કરે છે પરંતુ પાલિકા દ્વારા બજેટ કે ખાસ સભા વખતે ભોજન સમારંભ રાખે છે ત્યારે તેનો બહિષ્કાર કરીને ઘરેથી લાવેલા ટિફિન સાથે બેસીને જમીને પ્રજાના પૈસા થી આવેલા ભોજનનો બહિષ્કાર કર્યાની વાત કરી હતી.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વિપક્ષી નેતાની નિમણુંક થઈ હતી ત્યારે તેઓએ પાલિકા તરફથી આપવામાં આવતી ગાડી અને ફોન લેવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, થોડા સમય પછી વિપક્ષની નેતા પ્રજાના પૈસા થી આવેલી ગાડીનો ઉપયોગ કરતાં થઈ ગયા હતા. આ ઉપરાંત શાસક પક્ષના સભ્યોની જેમ વિવિધ મીટીંગમાં હાજર રહેવાનું ભથ્થું પણ વિપક્ષના સભ્યો લઈ રહ્યા છે. આજે પાલિકાની પહેલી ટર્મની છેલ્લી સભા હોવાના કારણે ભોજન સાથે સભા રાખી હતી,. જોકે, આ વખતે પણ પાલિકાના વિપક્ષના સભ્યો ઘરેથી ટિફિન લાવીને પાલિકા કચેરીમાં બેસી સાથે ખાધું હતું.
આ અંગેના ફોટા જાહેર કરાયા બાદ પાલિકામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો કે, વિપક્ષ પ્રજાના વેરાના પૈસાથી આપવામાં આવતી ગાડી અને વિવિધ સમિતિના ભથ્થા સ્વીકારે છે પરંતુ ભોજન લેતી નથી આ એક પબ્લીસીટી સ્ટંટ હોવાનું લોકો કહી રહ્યાં છે અને આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.