સુરત: સામાન્ય સભામાં વિરોધ ન કરતી વિપક્ષે સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો
- પાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારી સિવાય નેતાઓનો વિરોધ કરવાની ચીમકી
- પાલિકાના કાર્યક્રમમાં વિરોધ પક્ષ નેતા નું નામ નહીં લખા કાર્યક્રમ પાલિકાનો કે ભાજપનો તે માટે વિવાદ
સુરત,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવતીકાલના સેવા સેતુ કાર્યક્રમ સામે પક્ષે વિવાદ કરીને વિરોધ કરવાની ચીમકી આપી છે. હાલ સેવા સેતુ કાર્યક્રમ મહાનગરપાલિકાનો નહીં પરંતુ ભાજપના હોવાનું જણાવીને આવતીકાલે વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. વરાછાને અન્યાયના નામે ફરી એકવાર વરાછાના કોર્પોરેટરો વિરોધ કરવાના મૂડમાં છે.
સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં શાસકો સાથે સેટીંગ કરીને વિરોધ ન કરનારા આમ આદમી પાર્ટી હવે વરાછાના સેવાસેતુ કાર્યક્રમમાં ભાજપનો વિરોધ કરશે. સુરત મહાનગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાનો લોકોને લાભ એક જ જગ્યાએથી મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કર્યું છે. વરાછા બી ઝોનમાં આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સામે વિરોધ પક્ષને વાંધો પડયો છે. આમંત્રણ પત્રિકામાં વિપક્ષના નેતાનું નામ નથી જ્યારે રાજ્ય સરકારના મંત્રીઓ અને પાલિકાના પદાધિકારીઓનું નામ લખવામાં આવ્યું છે. આ પત્રિકા સામે વરાછાના આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરવા માટે તૈયારી કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના એક ગ્રુપમાં અધિકારીઓ સિવાય બધા જ નેતાનો વિરોધ કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. લોકોને વિવિધ સુવિધા મળે તે હેતુ માટેના કાર્યક્રમોમાં કેટલાક કાર્યકરો હવે વરાછા વિસ્તારને અન્યાય થઈ રહ્યો હોવાની વાત આગળ કરી રહ્યા છે.
સુરત મહાનગર પાલિકામાં ભાજપ શાસકો દ્વારા પે એન્ડ પાર્ક પ્લોટ, ખુલ્લા પ્લોટ, શિક્ષકોની ભરતી દેવા અને એક વિવાદી કામો કર્યા છે પરંતુ તેમાં વિપક્ષે લેખિતમાં વિરોધ નોંધાવ્યો નથી. પરંતુ સેવા સેતુ કાર્યક્રમ વરાછા ઝોનમાં હોવાથી વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.