દિવાળીની રાત્રે પાલ- હજીરા રોડ પર કેટલાક સુરતીઓએ સામ સામે ફટાકડા ફોડી અનેક લોકોને મુશ્કેલીમાં મુક્યા
ડુમસ રોડ બાદ હવે પાલ રોડ પર સામસામે ફટાકડા ફોડવાનું ન્યુસન્સ શરૂ થયું
પાલ આરટીઓ રોડ પર લોકો દિવાળીની ઉજાણી માટે ઉમટી પડ્યા પરંતુ કેટલાક લોકોએ જાહેરમાં એક બીજા સામે રોકેટ ઉડાવ્યા, વાહન ચાલકોનેની હાલત કફોડી બની: કેટલાક લોકોની ટીખળ અનેક લોકો માટે આફત બની
સુરત, તા. 13 નવેમ્બર 2023 સોમવાર
સુરતમાં દિવાળીના દિવસે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત ડુમસ રોડ પર જાહેરમાં એક બીજા પર ફટાકડા ફોડવાનું ન્યુસન્સ હતું તે વિસ્તરીને હવે પાલ-હજીરા રોડ પર શરૂ થયું છે. ગઈકાલે દિવાળીની રાત્રીએ પાલ આરટીઓ રોડ પર સેંકડો લોકો દિવાળીની ઉજવણી માટે ભેગા થયા હતા. પરંતુ કેટલાક લોકોએ એક બીજા સામે રોકેટ ફોડવાનું શરુ કરવા સાથે રોડની વચ્ચે માં આતશબાજી ફોડવાનું શરુ કરતાં ઉજવણી માટે આવેલા લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. કેટલાક લોકોની આવી ટીખળ અનેક લોકો માટે આફત બની ગઈ હતી જેના કારણે આ પ્રકારનું ન્યુસન્સ બંધ કરવા માટે લોકો માગણી કરી રહ્યાં છે.
સુરતીઓએ મોંઘવારી અને મંદી ભુલીને મન મુકીને દિવાળીની ઉજવણી કરી હતી., આખા સુરતમાં રોશની સાથે સાથે લોકો ફટાકડા ફોડીને દિવાળીની ભવ્ય ઉજવણી કરી હતી. તો બીજી તરફ છેલ્લા બે ત્રણ વર્ષથી સુરતના પાલ હજીરા રોડ પર આરટીઓ નજીકના રોડ પર મોટી સંખ્યામાં લોકો દિવાળીની ઉજવણી માટે ભેગા થતા હોય છે. તેવી રીતે આ વર્ષે પણ ભેગા થઈને ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડુમસ રોડ પર લોકો ભેગા થઈને છાકટા બની ને એક બીજા સામે રોકેટ ફોડે છે તે વિચિત્ર ટ્રેન્ડ ના કારણે અનેક લોકોની મુશ્કેલી વધે છે. આવા જ પ્રકારનું ન્યુસન્સ હવે પાલ હજીરો રોડ પર પણ આવી ગયં છે. એક તરફ પરિવાર સાથે લોકો રોડની બાજુએ ફટાકડા ફોડીને ખાવાનું ખાઈને દિવાળીની ઉજવણી કરતા હતા તો બીજી તરફ કેટલાક લોકો દિવાળીની ઉજવણીમાં ભાન ભુલ્યા હતા. છાકટા બનેલા લોકો એક બીજા સામે રોકેટ ફોડતા હતા. હાથમાં રોકેટ સળગાવીને મન ફાવે ત્યાં ફેંકી દેતા હતા. આટલું ઓછું હોય તેમ સેંકડો વાહનો પસાર થાય છે તેવા રોડની વચ્ચે જ આતશબાજી બોમ્બ મુકીને ફોડતા હતા. આવી રીતે આડેધડ ફટાકડા ફોડતા પરિવાર સાથે આ રોડ પર દિવાળીની ઉજવણી કે ખાણીપીણી કરવા માટે આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.આવી રીતે ફટાકડા ફોડતા પાલ રોડ પર એક નાનકડી આગ પણ લાગી હતી. જાહેર રોડ પર એક બીજા સામે રોકેટ ફોડતા હોવાથી અનેક વાહનચાલકો માંડ માંડ બચ્યા હતા. લોકોને જાહેરમાં ફટાકડા ફોડવામાં વાંધો ન હતો પરંતુ ન્યુસન્સ થાય તેવી રીતે જોખમી રીતે સામ સામે રોકેટ બાજી થાય છે તે ન્યુસન્સ બંધ કરવા માગણી કરવામાં આવી છે. આવા લોકો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માગણી લોકો કરી રહ્યાં છે.