ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે જ સુરતમાં માતાજીના મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ, યંગસ્ટર્સનો નોંધપાત્ર વધારો
Chaitra Navratri Surat : સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીના પ્રભાતેથી જ સુરતમાં માં અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. માતાજીની આ મંદિરે આરાધના કરતા વડીલોની સાથે સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી રહી છે. આજે નવરાત્રીના પહેલા જ દિવસે સુરત સહિત દક્ષિણ ગુજરાતના માતાજીના મંદિરમાં ભક્તોનો મેળાવડો થઈ ગયો હતો. ચૈત્ર મહિનામાં લીમડાનું મહત્વ વધુ હોય કતારગામમાં એક માતાજીના મંદિરમાં ભક્તોને પ્રસાદી સ્વરૂપે લીમડાના રસનું વિતરણ કરવામા આવ્યું હતું. સતત નવ દિવસ માતાજીની આરાધના કરવાનો તહેવાર એટલે ચૈત્રી નવરાત્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં નવરાત્રીની ઉજવણી માટે સુરતીઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી માતાજીની આરાધના કરનારા ભક્તોની સંખ્યામાં યંગસ્ટર્સ વધુ માત્રામાં જોવા મળી રહ્યા છે. આજે નવરાત્રીના પહેલા જ દિવસે સુરત શહેરમાં આવેલા માં અંબાના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. નવરાત્રી પહેલા જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વહેલી સવારથી જ માતાજીના મંદિરમાં પૂજા પાઠ પણ શરૂ થઈ ગયા છે.
શહેરના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલા 400 વર્ષ જૂના માં અંબાના મંદિર ઉપરાંત અંબિકાની કેતન ખાતે આવેલા માતાજીના મંદિર સહિત અનેક માતાજીના મંદિરમાં આજે વહેલી સવારે જ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ ભક્તોમાં આ વખતે વડીલો સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. સુરત ઉપરાંત વલસાડ નજીક આવેલા પારનેરા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે સુરત સહિત દક્ષિણ ગુજરાતના માતાજીના ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ આ મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી.
ચૈત્ર માસની નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે લીમડાને આરોગવાનું ઘણું મહત્વ રહેલું છે. ચૈત્રમાં નવરાત્રી સાથે ચૈત્રમાં લીમડો આરોગવાની જૂની પરંપરા છે. ચૈત્ર માસમાં નવરાત્રી ની માતાજીની આરાધના સાથે લીમડાને આરોગવાનું પણ ઘણું મહત્વ રહેલું છે. લીમડાને લઈને આયુર્વેદિક અને શાસ્ત્રોમાં ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે ચૈત્રમાં લીમડો આરોગવાની જૂની પરંપરા છે જે આજે પણ જોવા મળે છે. આ પરંપરાને અનુસરીને સુરતના કતારગામ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિરમાં આજે સવારથી આરતી બાદ ભક્તોને પ્રસાદી સ્વરૂપે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.