સુરત શહેરના દરેક ચાર રસ્તા પર રિક્ષા અને લારીવાળાઓના દબાણથી વાહનચાલકો ત્રાહિમામ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
સુરત શહેરના દરેક ચાર રસ્તા પર રિક્ષા અને લારીવાળાઓના દબાણથી વાહનચાલકો ત્રાહિમામ 1 - image

Surat Traffic Problem : સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે હાઇટેક સિગ્નલ સિસ્ટમ મુકવામાં આવી છે તેનો અમલ લોકો કરી રહ્યા છે. પરંતુ પાલિકા અને પોલીસની નબળી કામગીરીના કારણે ટ્રાફિક સિગ્નલનો અમલ કરવામાં વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે. સુરતમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા બનાવાયેલા સર્વિસ રોડ, ફુટપાથ પર દબાણ કરનારાઓનો કબજો છે તો ચાર રસ્તા પર લારીઓના દબાણ સાથે રીક્ષાવાળાઓનો ઝમેલો પણ છે. આવી તમામ સમસ્યાઓ દૂર કરી નિયમોનું પાલન કરાવવા લોકો માંગણી કરી રહ્યાં છે. શહેરના ચાર રસ્તા પરથી રીક્ષા અને લારીઓના દબાણ દૂર કર્યા બાદ જ લોકો પાસે ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ દંડ લેવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે. 

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. સુરતીઓ પણ સ્વેચ્છાએ ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહીને પોલીસને સહકાર આપી રહ્યા છે તેથી સાથે પોલીસે રોંગ સાઈટ વાહનો દોડાવતા ચાલકો સામે ગુનો દાખલ કરવાની કામગીરી શરૂ કરી છે તેનાથી ટ્રાફિક સમસ્યામાં થોડો ઘટાડો થયો છે. પરંતુ પાલિકા અને પોલીસ ચાર રસ્તા પરના ગેરકાયદે લારી ગલ્લાવાળાના દબાણ અને રીક્ષાઓનો ઝમેલો દુર કરવામા સદંતર નિષ્ફળ ગઈ છે. પાલિકા અને પોલીસ આ સમસ્યાનો કાયમી નિકાલ લાવી શકતી ન હોવાથી વાહનચાલકો દંડાઈ રહ્યાં છે. 

સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે સર્વિસ રોડ બનાવ્યા છે. આ સર્વિસ રોડ બનાવવા પાછળ શહેરના મુખ્ય માર્ગો પર આવેલી રહેણાંક સોસાયટીઓના વાહનો સીધા મુખ્ય રોડ પર આવી શકે તે હેતુ છે. પાલિકાએ અકસ્માત નિવારવા તથા ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે બનાવેલા આ સર્વિસ રોડ લારી-ગલ્લાવાળા અને પેસેન્જરની રાહ જોવા આડેધડ ઉભી રાખેલી રીક્ષાનો ખડકલો થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક વાહનો પણ પાર્ક કરી દેવામાં આવે છે તેના કારણે આ સર્વિસ રોડનો હેતુ બર આવતો નથી. 

આવી જ રીતે શહેરના મોટા ભાગના ચાર રસ્તા પરથી લારીના દબાણ હટાવવામાં પાલિકા તંત્રની કામગીરી ઝીરો છે તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વધી રહી છે. દોઢથી બે મિનિટ રાહ જોયા બાદ અડધી મિનિટ માટે સિગ્નલ ગ્રીન થાય છે પરંતુ આ દબાણ અને રીક્ષાના કારણે ઘણાં ઓછા વાહન ચાલકો પસાર થઈ શકે છે. જેના કારણે ઘણી વાર સિગ્નલના ભંગ પણ થઈ રહ્યો છે. આ સમસ્યાથી સુરતીઓ ત્રાહિમામ છે તો બીજી તરફ ભારે ઉહાપોહ થતાં પણ હજી લેફ્ટ સાઈટ ફ્રી રહેતી નથી તેથી પણ ટ્રાફિક સમસ્યા વધી રહી છે.

પાલિકા અને પોલીસ પહેલા ટ્રાફિક સિગ્નલનું પાલન માટે ચાર રસ્તા પરના દબાણ-રીક્ષા અને લેફ્ટ સાઈડ ફ્રી રખાવે અને વાહન ચાલકોને પુરી સુવિધા આપ્યા બાદ જ સિગ્નલના મેમો અને દંડ ઉધરાવે તેવી માગણી થઈ રહી છે. જો પાલિકા અને પોલીસ આ પ્રકારના દબાણ હટાવી શકતી ન હોય તો લોકો પાસે દંડ લેવાનો તંત્રનો અધિકાર નથી તેવો આક્રોશ લોકોનો જોવા મળી રહ્યો છે. 

દર 200 મીટરે સિગ્નલ થી પણ લોકો કંટાળી ગયાં છે 

સુરત પાલિકા અને પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ દર 150થી 200 મીટરમાં મુકાયેલા સિગ્નલ લોકો માટે આફત બની રહ્યાં છે. લોકો આવી આડેધડ સિગ્નલથી ત્રાસી ગયા છે અને સોશિયલ મિડિયા પર ટ્રાફિક સિગ્નલ માટે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. 

દર 100થી 200 મીટરે સિગ્લન અને દરેક સિગ્નલ પર દોઢથી બે મિનિટ ઉભા રહેવું પડતું હોવાથી લોકો હવે ગલીઓમાં વાહનો દોડાવી રહ્યા છે. તો બીજી તરફ આવી સિસ્ટમ લોકોના ખિસ્સા ખાલી કરાવવા માટે હોવાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. કેટલાક લોકો કહે છે, ટ્રાફિક સિગ્નલને બદલે પોલીસ શહેરમાં ઠેક ઠેકાણે દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે તે બંધ કરાવે તો બસ છે. કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને તંત્ર બંધ કરાવતું નથી તો બીજી તરફ સામાન્ય લોકોને એક યા બીજા નિયમો બતાવી લૂંટવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી. આમ લોકો ટ્રાફિક સિગ્નલનો અમલ કરવા તો તૈયાર છે પરંતુ તેના માટે નડતી મુશ્કેલી પાલિકા અને પોલીસ પહેલા દુર કરે પછી જ નિયમોનું પાલન કરવા માટે કડકાઈ દાખવે તેવી પણ માગણી કરી રહ્યાં છે.


Google NewsGoogle News