સુરત શિક્ષણ સમિતિની શાળાઓ બની ઓલિમ્પિકમય : તમામ શાળાઓમાં ઓલિમ્પિકની ઐતિહાસિક ક્ષણોનું સ્ક્રીનિંગ કરાયું
Paris Olympics 2024 : ફ્રાન્સના પેરીસમાં આજથી ઓલિમ્પિક ગેમ્સ 2024 શરૂ થવા જઈ રહી છે. પરંતુ તેનો ફિવર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જોવા મળી રહ્યો છે. બાળકોમાં ઓલિમ્પિક પ્રત્યે જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. જેના કારણે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ ઓલિમ્પિકમય બની ગઈ છે. પાલિકાની શાળાઓમાં રમતના સમયગાળા દરમિયાન શાળા દ્વારા સાપ્તાહિક ક્વિઝનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ઓલિમ્પિક રમતના ઉદઘાટન સમારોહ, ભારતીય ખેલાડીઓને નોંધપાત્ર પ્રદર્શન, મેડલ સમારોહ, ઓલિમ્પિક રમતોનો ઇતિહાસ વગેરે જેવી મુખ્ય ક્ષણોનું સ્ક્રીનિંગ માટે પણ આયોજન કરાયું છે. આજે ઓલિમ્પિક પહેલા સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ પર માહિતી આપવામાં આવી હતી.
આજથી ઓલિમ્પિક ગેમ્સ 2024 શરૂ થવા જઈ રહી છે. ઓપનિંગ સેરેમની પેરિસની સીન નદીથી શરૂ થશે અને તેની સાથે જ ઓલિમ્પિકની સત્તાવાર શરૂઆત થશે. ભારતીય સમય પ્રમાણે રાત્રીના 11 વાગ્યે સેરેમની શરૂઆત થશે. સમર ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ગેમ્સ 2024 સંદર્ભે રાજયની તમામ પ્રાથમિક શાળામાં જાગૃતિ લાવવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા એક પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે.
જેના આધારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આજથી ઓલિમ્પિક પુર્ણ થાય ત્યાં સુધીના દિવસો દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં રમતના સમયગાળા દરમિયાન શાળા દ્વારા સાપ્તાહિક ક્વિઝનું આયોજન કરાશે. આ ઉપરાંત રમતના ઉદઘાટન સમારોહ, ભારતીય ખેલાડીઓને નોંધપાત્ર પ્રદર્શન, મેડલ સમારોહ, ઓલિમ્પિક રમતોનો ઇતિહાસ વગેરે જેવી મુખ્ય ક્ષણોનું સ્ક્રીનિંગ પણ કરવામા આવશે. આ સાથે-સાથે શાળા દ્વારા પણ ઓલિમ્પિક મુજબની રમતો રમાડી શકાય છે તેવી રમતનું આયોજન પણ કરાશે. આજે શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્માર્ટ બોર્ડ મુકવામાં આવ્યા છે તે બોર્ડ પર ઓલ્મ્પિક અંગેની વિવિધ માહિતી પીરસીને બાળકોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીની સિધ્ધિ અને તેમના અંગેની માહિતી આપવામાં આવી હતી. આવી પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓમાં ઓલિમ્પિક પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.