સુરતમાં અડાજણ સહજ પાસેનું શેરીંગ સાયકલ સ્ટેન્ડ પર સાંજે ગેરકાયદે દબાણ કરનારાઓનો કબજો
- સુરતમાં દબાણ કરનારાઓ પાલિકાનું સાયકલ સ્ટેન્ડ પણ ખાઈ ગયાં
- સવારે દબાણ ન હોય ત્યારે સાયકલ સ્ટેન્ડ દેખાઈ છે પરંતુ બપોર પછી આ સાયકલને સાઈડ પર ખસેડી કપડા વેચાણનું કેન્દ્ર બની જાય છે
સુરત,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર
સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં સહજ પાસે પાલિકાનું સાયકલ શેરીંગ પ્રોજે્કટનું સાયકલ સ્ટેન્ડ માથાભારે દબાણ કરનારાઓ ખાઈ ગયાં છે. આ દબાણ કરનારા માથાભારે હોવાથી પાલિકા તંત્ર આ દબાણ હટાવી શકતા નથી અને બપોર બાદ પાલિકાનું આ સાયકલ સ્ટેન્ડ ખોવાઈ જાય છે અને લોકો સાયકલ સ્ટેન્ડ નો ઉપયોગ કરી શકતા નથી.
સુરત પાલિકાએ ઝીરો દબાણ રૂટ પરથી કડકાઈથી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી છે તેમાં થોડી સફળતા પણ મળી છે. પરંતુ શહેરમાં કેટલાક માથાભારે દબાણ કરનારાઓ પાલિકા ના પ્રોજેક્ટ અને ફુટપાથ બાપીકી જાગીર હોય તેમ તેના પર કબજો કરીને ગેરકાયદે દબાણ કરી રહ્યાં છે. માથાભારે દબાણ કરનારાઓના કારણે પાલિકાનો સાયકલ શેરીંગ પ્રોજેક્ટ મરણપથારીએ પડ્યો છે. અનેક જગ્યાએ પાલિકાના સાયકલ સ્ટેન્ડ પર દબાણ હોવા છતાં પાલિકા આ દબાણ કાયમી દુર કરાવી શકતી ન હોવાથી આ પ્રોજેક્ટથી લોકો દુર ભાગી રહ્યા છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં સહજ અને પ્રાઈમ આર્કેડ વચ્ચે પાલિકાએ સાયકલ સ્ટેન્ડ બનાવ્યું છે. શરુઆતમાં આ સ્ટેન્ડ પરથી અનેક લોકો સાયકલનો ઉપયોગ કરતાં હતા પરંતુ છેલ્લા કેટલાક વખતથી સાંજના સમયે લોકો આ સ્ટેન્ડ પર જઈને સાયકલ શોધે તો મળી શકે તેમ નથી. આટલું જ નહી પરંતુ સવારે જે સાયકલ સ્ટેન્ડ દેખાતું હોય તે સાંજે ગાયબ થઈ જાય છે.
અડાજણ સહજ પાસેના આ સાયકલ સ્ટેન્ડ પર માથા ભારે દબાણ કરનારાઓ બપોર પછી કબ્જો કરીને આખું સાયકલ સ્ટેન્ડ ખાઈ જાય છે. દબાણમાં નડતરરુપ જે સાયકલ હોય તેને પણ લોક હોવા છતાં આ દબાણ કરનારાઓ હટાવીને બાજુએ મૂકી દે છે. જેના કારણે અનેક વખત સાયકલ માં નુકસાન થાય છે. માથાભારે દબાણ કરનારાઓને કારણે બપોર પછી આ સાયકલ સ્ટેન્ડ કપડાની દુકાન હોય તેવું બની જાય છે. આવી ગંભીર સમસ્યા અને પાલિકાની સાયકલમાં નુકસાન થતું હોવા છતાં પાલિકા તંત્ર માથાભારે દબાણ કરનારાઓના દબાણ દુર કરતાં ધ્રુજી રહી છે. જો પાલિકા આ દબાણ દુર ન કરે તો નજીકના ભવિષ્યમાં અહીથી સાયકલ સ્ટેન્ડ દુર કરવું પડે તેવી સ્થિતિ છે.