Get The App

ધરાસણાના અહિંસક લોહિયાળ સત્યાગ્રહથી બ્રિટિશ સલ્તનતના પાયા હચમચી ગયા હતા

- દાંડીનો ઐતિહાસિક મીઠા સત્યાગ્રહ એક પ્રતીકરૂપે જ હતો

- સત્યાગ્રહીઓ પર ધડાધડ લાઠીઓ વિંઝાતી રહી અને લોહી નીગળતા શરીરો કાંટામાં અને મીઠાના અગરોમાં ઝબોળાતા રહયા

Updated: Jan 29th, 2019

GS TEAM


Google News
Google News
ધરાસણાના અહિંસક લોહિયાળ સત્યાગ્રહથી બ્રિટિશ સલ્તનતના પાયા હચમચી ગયા હતા 1 - image



(પ્રતિનધિ દ્વારા) સુરત,તા.29 જાન્યુઆરી 2019, મંગળવાર

નવસારીના દાંડીમાં નમક સત્યાગ્રહ સ્મારકનું બુધવારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે વલસાડના ધરાસણા મીઠા સત્યાગ્રહના સ્થળના પુનરોધ્ધાર માટે ગ્રામ સેવા સમાજ, ચોર્યાસી દ્વારા વડાપ્રધાનને પત્ર લખાયો છે. જેમાં ધરાસણાના અહિંસક લોહિયાળ સત્યાગ્રહની વિગતો પણ વર્ણવવામાં આવી છે.

ગ્રામ સેવા સમાજના પ્રમુખ બી.એમ.પટેલે કહયું કે, ગાંધીજીની આગેવાનીમાં ૬ એપ્રિલ,૧૯૩૦ના રોજ દાંડીનો ઐતિહાસિક મીઠા સત્યાગ્રહ એક પ્રતીકરૂપે જ હતો. દાંડીમાં કોઇ મીઠાના અગરો નહોતા. દાંડીમાં મીઠું પાકતું જ નહોતું. ઉગ્ર અહિંસક આંદોલન તો ધરાસણામાં થયું હતું. ગાંધીજીએ વાઇસરાયને પત્ર લખી નોટિસરૂપે ધરાસણાના મીઠાના અગરો પર દરોડા પાડવાનો ઇરાદો જાહેર  કર્યો હતો.

ધરાસણાની ધાડનો દિવસ જાહેર થતાં જ અંગ્રેજ સરકાર સફાળી જાગી હતી અને તા.૫ મે, ૧૯૩૦ની રાતે ૧ વાગ્યે દાંડી નજીક આવેલા કરાડી ગામથી સુરતના ગોરા ન્યાયમૂર્તિ, પોલીસ અધિકારીઓ તેમજ સિપાઇઓએ ગાંધીજીની ધરપકડ કરી હતી. પરિણામે એક સપ્તાહ બાદ તા.૧૨ મે, ૧૯૩૦ને સોમવારે સવારે ૬ કલાકે અબ્બાસ તૈયબજી સાહેબની આગેવાની હેઠળ ધરાસણા સત્યાગ્રહની શરૂઆત થઇ. પ્રતિદિન ચલાવાતા આ સત્યાગ્રહની ચોમાસાના આગમનને કારણે તા.૬ જુન,૧૯૩૦ના રોડ પુર્ણાહુતિ થઇ હતી.

ધરાસણાનો અહિંસક સત્યાગ્રહ એ અહિંસક ક્રાંતિનું એક રિહર્સલ જ હતું. આ અહિંસક સત્યાગ્રહે જેનો સૂર્ય કદી આથમવાનો નથી એવું માનતી બ્રિટિશ સલ્તનતની ઇમારતને પાયામાંથી હચમચાવી દીધી હતી. ધડાધડ લાઠીઓ વિંઝાતી રહી અને માથા વધેરાતા રહયા. લોહી નીગળતા શરીરો કાંટામાં અને મીઠાના પાણીમાં ઝબોળાતા રહયા.

પડતી લાઠીને રોકવા સત્યાગ્રહીઓના હાથ ઉંચા થતા નહોતા. ભારત માતાને ખોળે રક્ત ટપકતી ઝોળીઓ સમરાંગણથી બે કિલોમીટર દુર ઊંટડી ગામે નાની સરખી જમીન પર ઉભી કરેલી સત્યાગ્રહીઓની છાવણી ગંભીર ઇજા પામેલા સત્યાગ્રહીઓથી ઉભરાતી રહી હતી. 

ધરાસણાના સત્યાગ્રહીઓની તસ્વીરો, બ્રિટીશ સરકારના જુલ્મોના આંખે દેખ્યા અહેવાલ દુનિયાભરના પત્રકારોએ આપ્યા. અંગ્રેજ રાજ્યના અમલદારોના અત્યાચારોના નગ્ન નાચનું તાદ્શ દ્રશ્ય એટલે ધરાસણાની ધીખતી ધરા. તે ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનના એક અતિ ઉજ્જવળ અંકરૂપે પુરવાર થયેલુ ંછે. પ્રજાએ ગાધીજીને મહાત્માને બદલે મીઠા ચોરનો ઇલ્કાબ આપ્યો હતો.

Tags :