સુરત પાલિકાની સ્થાયી સમિતિમાં રજૂઆત બાદ પણ કતારગામમાં પાણી ભરાવવાની સમસ્યાનો કોઈ ઉકેલ નહી
Surat Corporation Pre Monsoon : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં વરસાદી પાણીના ભરાવાના મુદ્દે ગત સ્થાયી સમિતિમાં આક્રમક ફરિયાદ કરવામાં આવી હતી. આ પાણીનો ભરાવો ન થાય તે માટે કાયમી અને હંગામી પગલા ભરવા માટે સુચના આપી હતી. પરંતુ આ સુચના કાગળ પર જ રહેતાં એક અઠવાડિયા બાદ આજે પહેલા વરસાદના કારણે ફરી એક વાર કતારગામના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે જેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ગત અઠવાડિયે પડેલા દેમાર વરસાદના કારણે હરિ દર્શનના ખાડા સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ પાણીના ભરાવાના કારણે હજારો લોકોને નોકરી ધંધે જવા મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી થઈ હતી. આ સ્થિતિ બાદ વિપક્ષ અને શાસક પક્ષના કોર્પોરેટરોએ પણ ભારે હંગામો મચાવ્યો હતો.
સ્થાયી સમિતિના કતારગામ વિસ્તારના બે કોર્પોરેટરોએ માર્ચ મહિનાની બેઠકમાં જ્યાં પાણી ભરાવાના સ્પોટ બતાવવામાં આવ્યા હતા તે સ્પોટ પર અધિકારીઓએ કામગીરી ન કરતાં પાણીનો ભરાવો થયો હોવાની ફરિયાદ કરવા સાથે આ સ્પોટ પર તાત્કાલિક કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. જેના કારણે આજે સવારથી ફરી વરસાદ પડ્યો હતો અને ફરીથી હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે અને ફરીથી લોકોને હાલાકી પડી રહી છે. શાસક અને વિપક્ષના કોર્પોરેટરોની અનેક ફરિયાદ બાદ પણ કામગીરી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.