900 કરોડનું બજેટ ધરાવતી સુરત પાલિકાની શાળામાં પડદા માટે ગ્રાન્ટ નથી : સમિતિની એક સ્કુલમાં 110 બારીના પડદાનો ખર્ચ શાળા પરિવારે કર્યો
Surat Corporation News : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ 900 કરોડથી વધુનું છે. અધધ બજેટ ધરાવતી શિક્ષણ સમિતિની એક શાળામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે 110 બારીના પડદાનો ખર્ચ શાળા પરિવારે કરવો પડ્યો છે. 900 કરોડથી વધુનું બજેટ ધરાવતી શિક્ષણ સમિતિમાં પડદા માટે ગ્રાન્ટ નથી તેથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોની હાલત પણ કફોડી થઈ રહી છે. શાળામાં રીપેરીંગ પહેલા બારી લાકડાની હતી એ કાઢી સ્લાઈડર વાળી કાચની બારી નાખવામાં આવી છે. તેથી સીધા વર્ગખંડમાં તડકો આવતા બાળકોને બોર્ડ પર દેખાતું ન હોવાથી પડદા લગાવવા પડ્યા છે.
શિક્ષણ સમિતિ પાસે 900 કરોડથી વધુનું બજેટ છે પરંતુ આ બજેટમાં શાળાની જરૂરિયાત મુજબ ખર્ચ ન કરાતા હોવાથી અનેક શાળાની હાલત કફોડી થઈ રહી છે. હાલમાં પાલિકાએ નવા શાળા ભવન બનાવ્યા છે અથવા રીપેરીંગ કયું છે તેમાં પહેલા બારી લાકડાની હતી એ કાઢી સ્લાઈડર વાળી કાચની બારી નાખવામાં આવી છે. શાળાઓ બપોર પાળીની હોય તેમાં શાળા શરૂ થાય ત્યારથી જ મોટાભાગના વર્ગોમાં તડકો આવે જેથી સ્માર્ટ બોર્ડ કે ગ્રીન બોર્ડમાં લખેલું વિદ્યાર્થીઓને સ્પષ્ટ દેખાતું નથી આવી અનેક શાળાઓની ફરિયાદ છે પરંતુ સમિતિ દ્વારા આ સમસ્યાના હલ માટે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે તેવી હાલત છે.
અન્ય શાળાની જેમ ડિડોલીની 257 નંબરની શાળા જેમાં શિક્ષણ કાર્ય ની ગુણવત્તા વધુ હોવાથી અહી એડમીશન માટે પડાપડી થાય છે અને ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સ્લાઈડર વાળી કાચની બારી હોવાના કારણે અનેક વિદ્યાર્થીઓને બોર્ડ પર લખેલું દેખાતું નથી. આ શાળા દ્વારા અનેક વખત બારી પર પડદા લગાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ગ્રાન્ટ આપવામાં ન આવતા છેલ્લા ઉપાય તરીકે શાળા પરિવાર દ્વારા શાળાની 110 બારીઓને પડદા નાખવા એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને શાળાના શિક્ષકોએ એક વિચાર રજુ કર્યો એ મુજબ પડદા લગાવવા માટે સોકેટ અને પાઈપનો ખર્ચ ગ્રાન્ટમાંથી કરવા અને પડદાનો સંપૂર્ણ ખર્ચ શાળા પરિવારે ઉઠાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
શાળામાં પરીક્ષા પૂર્ણ થતાં જ શાળા પરિવાર દ્વારા પડદાના કાપડની ખરીદી કરી બારીના માપ લઈ સિલાઈ કરવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો, જે પડદા સીવીને વેકેશન પહેલા જ શાળામાં આવી ગયા હતા. શાળામાં સત્ર શરૂ થતાની સાથે જ શાળાના દરેક વર્ગમાં આવેલી 110 બારી પડદા લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે સ્માર્ટ બોર્ડ અને ગ્રીન બોર્ડનો અસરકારક ઉપયોગ શક્ય બન્યો છે.
આ એક સ્કુલે હિંમત કરીને કામગીરી કરી અવાજ ઉઠાવ્યો છે જ્યારે બાકીની અનેક સ્કુલ એવી છે જેમાં કાચની બારીઓ હોવાથી સ્માર્ટ બોર્ડ કે ગ્રીન બોર્ડમાં લખેલું વિદ્યાર્થીઓને સ્પષ્ટ દેખાતું નથી. પરંતુ શાળાના શિક્ષકો કે આચાર્ય કે શિક્ષણ સમિતિના શાસકો દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં આવતી ન હોય વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.