સુરત પાલિકાના વરાછા ઝોનમાં એક આખી બિલ્ડીંગનું BU નથી પણ માત્ર 3 દવાખાના બંધ કર્યા, કામગીરી સામે ઉભા થયા અનેક પ્રશ્નો
Fire Safety Drive in Surat : રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ સુરત પાલિકાએ સીલીંગની કામગીરી શરુ કરી છે પરંતુ હવે દિવસ પસાર થતાં પાલિકાની સીલીંગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પાલિકા દ્વારા કરવામાં આવતી સીલીંગ કામગીરી અનેક જગ્યાએ વિવાદમાં આવી રહી છે. સુરત પાલિકા દ્વારા એક જ પ્રકારની ભૂલ બદલ એક જ વિસ્તારમાં બે અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકાના વરાછા ઝોનમાં એક આખી બિલ્ડીંગનું બીયુસી નથી પણ માત્ર ત્રણ દવાખાના બંધ કરવામાં આવ્યા છે જ્યારે એ જ ઝોનમાં અન્ય બિલ્ડીંગનું બીયુસી પરમીશન નથી તેની બધી જ દુકાનો સીલ કરવામાં આવી છે. આમ એક જ ભુલ માટે પાલિકાએ બે અલગ અલગ ધારા ધોરણ અપનાવાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રાજકોટ દુર્ઘટના બાદ સુરત પાલિકાએ સાત દિવસમાં 880 પ્રીમાઈસીસ સીલ કરવામાં આવી છે. સુરત શહેરમાં બીયુ પરમીશન વિનાની અને ફાયર એન.ઓ.સી. વિનાની મિલકત શોધીને તેમની સામે કામગીરી કરવામાં આવી રહી છે. આ સાત દિવસમાં સૌથી વધુ નિયમનો ભંગ પાલિકાની બીયુ પરમીશન ન લીધી હોવાનું બહાર આવ્યું છે. સાત દિવસમાં સુરત શહેરમાં થી 664 પ્રીમાઇસીસ એવી મળી છે તેઓએ બિલ્ડીંગનો ઉપયોગ કરવા પહેલાં પાલિકાની બીયુ પરમિશન લીધી જ નથી. જ્યારે 177 પ્રીમાઈસીસ એવી છે તેઓએ પાલિકાની ફાયર એન.ઓ.સી. લીધી નથી આવી મિલકત સીલીંગની કામગીરી પાલિકા કરી રહી છે પરંતુ આ કામગીરીમાં એકને ગોળ અને એકને ખોળ જેવી કામગીરી થતી હોવાનો આક્ષેપ પ્રજા દ્વારા કરવામા આવી રહ્યો છે.
સુરત પાલિકાના વરાછા ઝોનમાં હીરાબાગ સર્કલ પાસે સરગમ ડોક્ટર હાઉસ આવ્યું છે પાલિકાએ જાહેર કરેલી યાદીમાં આ કોમ્પલેક્ષ માંથી બે ક્લીનીક સીલ કરવામાં આવ્યા છે અને કારણ એ છે કે બીયુ પરમીશન નથી. જોકે, હકીકત એવી છે કે આખી બિલ્ડીંગ પાસે બીયુ પરમીશન નથી તો બાકીની હોસ્પ્ટિલ-ક્લિનિક અને દુકાન છોડીને માત્ર બે જ ક્લિનીક સીલ કરવામાં કેમ આવ્યા તેની ચર્ચા થઈ રહી છે. લોકોએ પાલિકાના અધિકારીઓ ને પુછ્યું તો જવાબ મળ્યો કે આખી બિલ્ડીંગની બીયુસી નથી પરંતુ સ્ટાફ ન હોવાથી બાકીની મિલ્કત પછી સીલ કરાશે.
જોકે, બીજી તરફ વરાછા ઝોનમાં જ આવેલા મોટા વરાછા સુદામા ચોક ખાતે તુલસી આર્કેડ નામની બિલ્ડીંગ આવી છે. આ બિલ્ડિંગની બીયુ પરમીશન ન હોવાથી આ બિલ્ડીંગની 300થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે. એક જ ઝોનમાં પાલિકાના અધિકારીઓની એક જ ભુલ માટે બે અલગ અલગ કામગીરી લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. લોકો ચર્ચા કરી રહ્યાં છે કે, પાલિકા તંત્ર કોર્ટમાં કામગીરી બતાવવા માટે કામગીરી કરી રહી છે તેમાં નાના માણસને અન્યાય થઈ રહ્યો છે.