25 વર્ષ જૂના સાધનો પર પ્રેક્ટિસ કરીને સુરતના નવ ખેલાડીઓ એશિયન જીમનાસ્ટીકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
- આંતરરાષ્ટ્રીય લેવલે સિલેક્ટ થયા બાદ પણ પટાયા જવાના માટે પૈસા ના હોવાના કારણે એક ખેલાડી જઈ ના શક્યો
- જ્યારે અન્ય એક ખેલાડીનો ખર્ચો શાળાએ ઉઠાવ્યો
સુરત,તા.30 ઓગષ્ટ 2022,મંગળવાર
પટાયા ખાતે આયોજિત થનાર એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં આખા ગુજરાતમાંથી સુરતના નવ જેટલા ખેલાડીઓ સિલેક્ટ થયા છે. જેમાં છોકરા છોકરી બંને નો સમાવેશ થાય છે.ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરનાર આ સુરતના ખેલાડીઓ 25 વર્ષ જુના સાધનો પર પ્રેક્ટિસ કરી આ મુકામ હાંસિલ કર્યો છે જોકે આર્થિક રીતે કોઈપણ મદદ નહીં મળતા તેઓ પોતે પોતાના ખર્ચે આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જઈ રહ્યા છે તો કેટલાક સિલેક્ટ થવા છતાંપણ આર્થિક કારણોસર આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકે એમ નથી.
થાઈલેન્ડ ખાતે એશિયન એરોબિક ચેમ્પિયનશિપ નું 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન આયોજન થનાર છે અને આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી સુરતના નવ જેટલા ખેલાડીઓ સિલેક્ટ થયા છે આ તમામ સામાન્ય પરિવારથી આવનાર ખેલાડીઓ છે. ખેલાડીઓની પરિવારની આર્થિક પરિસ્થિતિ આટલી સારી નથી કે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષામાં આયોજિત ચેમ્પિયનશિપમાં જઈ શકે,કારણ કે આ ચેમ્પિયનશિપમાં તમામ ખર્ચો ખેલાડીઓને ઉઠાવવાનું હોય છે અને કોઈપણ પ્રકારની મદદ તેમને મળતી નથી અને ત્યાં જવા માટે એક ખેલાડીને દોઢ લાખ રૂપિયા ખર્ચ કરવો પડતો હોય છે.સુરત માંથી 9 ખેલાડીઓ સિલેક્ટ થયા છે.પરંતુ એમાંથી પણ ઘણા એવા છે જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ પોતાનું મન મારીને પટાયા જઈ રહ્યા નથી.
એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં જવા માટે આશરે 15 રાજ્યના 80 ખેલાડીઓએ મિક્સ પેર જીમનાસ્ટિક માં ભાગ લીધો હતો. જેમાંથી બીજા ક્રમે સુરતના ચૌહાણ નિશાંત પણ આવ્યો હતો .તે સમયે તેની ખુશી બમણી હતી ,પરંતુ જ્યારે તેને ખબર પડી કે ત્યાં જવા માટે સ્વખર્ચે દોઢ લાખ રૂપિયો ખર્ચ કરવો પડશે ,ત્યારે તેના સપના કાચની જેમ તૂટી ગયા હતા. ત્રણ મહિના પહેલા આજે તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે ગયો હતો, ત્યારે પરિવારના સભ્યોએ અઢી લાખ રૂપિયા લોન લીધી હતી. નિશાંત ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવી ચૂક્યો છે રાષ્ટ્રીય કક્ષાએ જીમનાસ્ટિકમાં તેને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા છે આટલી ઉપલબ્ધિ હોવા છતાં તે આર્થિક કારણોસર સિલેક્શન થવા બાદ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં.
નિશાંત ચૌહાણએ કહ્યું કે, એશિયન જીમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ માટે ચંડીગઢ ખાતે અમારું સિલેક્શન થયું હતું અમારું બીજો નંબર આવ્યો હતો. વ્યવસ્થિત આર્થિક સપોર્ટ ન હોવાના કારણે હું પટાયા જઈ શકું એમ નથી. મારા જીવનની સૌથી મોટી તક હું ગુમાવવા માટે મજબૂર છું જે સંપૂર્ણ ખર્ચ છે તે દોઢ લાખ સુધીનું હોય છે અને તે ખેલાડીઓને જ ઉઠાવવું પડતું હોય છે અને મારા પરિવારમાં મારા પિતા અને માતા મળીને 20 હજાર રૂપિયા પ્રતિ માસ કમાવી રહ્યા છે. બંને મળીને મારું આર્થિક સપોર્ટ કરી શકે એમ નથી.હું કોલેજ ના બીજા વર્ષ માં ભણું છું.ત્યાં પણ મને સ્પોર્ટ્સ ક્વોટા માંજ એડમિશન મળ્યું છે.
એટલું જ નહીં આ ખેલાડીઓ એશિયન એરોબિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જઈ રહ્યા છે પરંતુ એરોબિક્સ કરવા માટે જે સાધનોની જરૂર હોય છે તે ગુજરાતમાં ક્યાંય પણ નથી. આટલી સમસ્યાઓ વચ્ચે સુરતના નવ જેટલા ખેલાડીઓ સિલેક્ટ થઈ ગયા છે. સુરતમાં જેટલા ખેલાડીઓ સિલેક્ટ થયા છે તેઓ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરતા હોય છે પરંતુ જિમનાસ્ટીક કરવા માટે ખેલાડીઓને જે સુવિધા ની જરૂર હોય છે તે સુવિધા નો અભાવ અહીં છે બીજી બાજુ જે સાધનો ઈન્ડોર સ્ટેડિયમમાં છે તે 25 વર્ષ જૂના છે .અને તેના પર પ્રેક્ટિસ કરવું હવે ઘણું અઘરું છે.
ગુજરાત જીમ્નાસ્ટિક એસોસિએશનના સેક્રેટરી કૌશિક બીડીવાલા એ કહ્યું કે" જિમ્નાસ્ટિકના સાધનો ખૂબ જ મોંઘા હોય છે હાલ ઇન્ડોર સ્ટેડિયમ પાસે સાધનો છે તે 25 વર્ષ જૂના છે અને આ સાધનો બીજે કશે મળતા નથી. આ સાધનોનો ઉપયોગ કરીને અમે આ વખતે પણ સારું પરિણામ લાવી શક્યા છે. એરોબિક્સના સાધનો ગુજરાતમાં નથી અને તેનો જે ફ્લોર હોય છે તે પણ વેચાતું લેવાનું મોંઘુ હોય છે અમે વારંવાર આ અંગે રજૂઆત પણ કરી છે ચાર મહિના અગાઉ જે એક પત્રના માધ્યમથી આ સમસ્યા અંગે જાણ પણ કરી છે.
મોટાભાગના ખેલાડીઓ મધ્યમ અને ગરીબ પરિવારો માંથી આવે છે.જેમાંથી 16 વર્ષ નો શુભમ રાણા પણ છે.જેનો ખર્ચ શાળા ઉઠાવી રહી છે.આ અંગે શુભમ રાણાએ કહ્યું કે" મારા પિતા રત્નકલાકાર છે .હું મધ્યમ પરિવારથી આવું છું હાલ સિલેક્શન થઈ ગયું છે પરંતુ દરેક ખેલાડી ને પોતાના ખર્ચે ત્યાં જવાનું હોય છે. આશરે 1,20,000 થી લઈ દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ છે અને તે મારા પરિવારના સભ્યો ઉઠાવી શકે તેમ શક્ય હતું નહીં. હું આશા છોડી ચૂક્યો હતો કે હું પટાયા જઈને ભારતનું પ્રતિનિધિત્વ કરીશ .પરંતુ મારી શાળાના શિક્ષકો અને આચાર્યઓની મદદથી મને આર્થિક મદદ થઈ અને હવે હું ભારતનું પ્રતિનિધિત્વ કરી શકીશ. હું આંતરરાષ્ટ્રીય લેવલે રમવા જઈ રહ્યો છું.