'જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત' વિદેશમાં રહેતા ભારતીયોની પહેલી પસંદ પરંપરાગત ગરબા

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
'જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત' વિદેશમાં રહેતા ભારતીયોની પહેલી પસંદ પરંપરાગત ગરબા 1 - image


- ભારતમાં ફિલ્મી ગીતો પર નવરાત્રીના ગરબા તો વિદેશમાં માત્ર પરંપરાગત ગુજરાતી ગરબા

- ગરબાનું આયોજન થાય છે ત્યાં માતાજીની સ્થાપના પણ થાય છે અને શ્રધ્ધાપૂર્વક માતાજીની આરાધના થાય છે : ભારતની જેમ ગરબાની એસેસરીઝ પણ વિદેશમાં મળી રહે છે

સુરત,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર

ભારતમાં વસતા ભારતીયો નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરવા ગરબે તો ઘુમે છે પરંતુ અનેક જગ્યાએ માતાજીના ગરબા ના બદલે ફિલ્મી સોંગ પર ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. તો બીજી તરફ વિદેશમાં રહેતા ભારતીયો નવરાત્રી દરમિયાન ગરબે ઘુમે છે પરંતુ તે પણ ફિલ્મી ગીતોના બદલે માત્ર માતાજીના ગરબા પર જ રમીને માતાજીની આરાધના કરી રહ્યાં છે વિદેશમાં વસતા ભારતીયો પોતાના સમય અનુસાર વીક એન્ડમાં નવરાત્રીની ઉજવણી કરે છે તો કેટલીક જગ્યાએ નવરાત્રીના તમામ નવ દિવસ નવરાત્રીનું આયોજન થાય છે અને વિદેશમાં રહેતા ભારતીયો ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી રહ્યાં છે. 

સુરત અને ગુજરાતની રહેણાંક અને ધંધાદારી નવરાત્રીને ફિલ્મી ગીતોનું ઘેલું લાગ્યું છે તો બીજી તરફ વિદેશમાં વસતા  ભારતીયો ગરબા રમે છે તેમાં ફિલ્મી ગીતોના બદલે પરંપરાગત ગરબા જ નવરાત્રી દરમિયાન રમે છે. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતારીચા મોદી અને ઉર્વશી પટેલ કહે છે, અમારે ત્યાં ઈન્ડોરમાં નવરાત્રીનું આયોજન થાય છે મોટા ભાગે સિંગરોને બોલાવવામાં આવે છે માતાજીની આરતી કર્યા બાદ માત્ર ગુજરાતી ગરબા જ ગાવામાં આવે છે  અને અહી રહેતા બધા ભારતીયો આ ગરબે ઘુમે છે. ઓકલેન્ડમાં રહેતાં જોબન પટેલ અને ક્રિષ્ના ખંભાતી કહે છે, અહી દરેક ભારતીય તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક થાય છે નવરાત્રી પહેલાં અનેક સંસ્થાઓ આયોજન કરે છે અને મોટા હોલમાં માતાજીની સ્થાપના કરી તેમની આરાધના સાથે પરંપરાગત ગુજરાતી ગરબે ઘૂમી રહ્યા છે.     

અમેરિકાના ઉત્તર કેરોલીના હિકોરીમાં રહેતા મૂળ સુરતના રીંકુ પટેલ કહે છે, અમારે ત્યાં દર વર્ષે નવરાત્રી ની ઉજવણી ભારે ઉત્સાહથી કરવામાં આવે છે આ નવરાત્રીમાં જુદા જુદા વિસ્તારમાં રહેતા અને જોબમાં સતત વ્યસ્ત રહેતા ભારતીયો ભેગા થાય છે તેના કારણે આ ગરબાના સ્થળ મીની ભારત બની જાય છે. ભારતમાં અમે આવીએ છીએ ત્યારે નવરાત્રીમાં ફિલ્મી સ્ટેપ અને ફિલ્મી ગીતો પર લોકો રમે છે પરંતુ અમારે ત્યાં ગુજરાતમાં પ્રાચીન અને આધુનિક ગરબા છે તેના પર બધા તાલ મેળવીને રમે છે. આ જ શહેરના જૈમિના દેસાઈ અને હેતલ પટેલ કહે છે, ભારતમાં જે રીતે ગરબા નવરાત્રી દરમિયાન વિવિધ એસેસરીઝ મળે છે તેવી જ રીતે અહી પણ નવરાત્રી દરમિયાન એસેસરીઝનું વેચાણ થાય છે. તેની સાથે સાથે ચણીયા ચોળી પણ અહી મળી જાય છે તેથી પરંપરાગત ભારતીય પહેરવેશ માં  ભારતીય પરંપરાગત ગરબા રમીને નવરાત્રીની ઉજવણી કરે છે. 

હાલમાં જ સુરતથી કેનેડા ગયેલા જીમી કાપડીયા માટે પહેલી નવરાત્રી છે. અહીં નવરાત્રી દરમિયાન રમાનારા જીમી કહે છે, મારી અહીં પહેલી નવરાત્રી છે, અહી ભારત જેવી નવરાત્રી થશે કે કેમ તે પ્રશ્ન હતો. પરંતુ અહીંના અનેક શહેરોમાં વીક એન્ડમાં નવરાત્રી થાય છે અને  આપણે ત્યાં નવરાત્રી કરે તેવી જ શ્રધ્ધા અને ઉત્સાહથી નવરાત્રીનું ઉજવણી થાય છે. આ વર્ષે નવરાત્રી મિસ થાય તેવી બીક હતી પરંતુ અહીં બધા ભારતીયો મળી ગયા છે તેથી નવરાત્રીની ઉજવણી સારી રીતે કરી રહ્યાં છે. 

વિદેશમાં વસતાં ગુજરાતીની પહેલી પસંદ છે પરંપરાગત ગીતો'

મોટાભાગના દેશોમાં ગરબા રમનારાઓ પરંપરાગત ગરબા ગીત પસંદ કરે છે, જે કલાકારો માટે વિદેશી પર્ફોર્મન્સને વધુ ઉત્સાહિત બનાવે છે. 'અહીંયા લોકો પરંપરાગત ગરબા ગીતની માગ કરે છે, કારણ કે તેઓ તેને મિસ કરે છે.  અમેરિકા  કેનેડા અને ન્યુઝિલેન્ડ જેવા દેશમાં નવરાત્રીની ઉજવણી ભારતની જેમ થાય છે અહી નવરાત્રી પહેલા ગાયક કલાકારો આવી જાય છે અને નવરાત્રીમાં પરફોર્મ કર્યા બાદ નવરાત્રી બાદ પણ રહે છે. કેટલીક જગ્યાએ નવ દિવસ માટે ગરબાનું આયોજન થાય છે તો કેટલીક જગ્યાએ વીક એન્ડમાં થાય છે તેના કારણે કલાકાર વિદેશમાં નવરાત્રી પહેલા અને બાદ પણ જોવા મળે છે. વિદેશમાં રહેતા ભારતીયોની પહેલી પસંદ ગુજરાતી પરંપરાગત ગુજરાતી ગીતો છે તેથી કલાકાર ફિલ્મી ગીત ને બદલે માત્ર ગુજરાતી ગરબા જ પર જ પરફોર્મન્સ કરે છે. 

વિદેશની નવરાત્રીમા એ જ ફિલ્મી ગીત મા તુઝે સલામ ...વંદે માતરમ ...

ભારતમાં  વિવિધ ફિલ્મી ગીતો પર લોકો ગરબાના તાલ લે છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો  રહે છે તેઓ માતાજીના ગરબા કે ગુજરાતી ગરબા રમી નવરાત્રીની ઉજવણી કરે છે. વિદેશમાં નવરાત્રી દરમિયાન એક ફિલ્મી ગીત અચુક વાગે છે તે ગીતના શબ્દો છે મા... તુઝે સલામ... વંદે માતરમ, આ ગીત સાથે વિદેશમાં રહેતા ભારતીયો તાલ મિલાવવા સાથે માતાજીની ભક્તિ કરવા સાથે દેશને પણ યાદ કરે છે.


Google NewsGoogle News