-કારના કાચ તોડી ચોરી કરતી નાયડું ગેંગનો શખ્સ સોનાની બે બિસ્કીટ સાથે ઝડપાયો
-કડોદરામાં રૃ.૯.૫૮ લાખની
કિંમતની સોનાની બે બિસ્કીટ વેચવા આવેલા શખ્સને એલસીબીએ ઝડપી લીધો
બારડોલી
પલસાણા તાલુકાના કડોદરા ખાતે એલસીબીની ટીમે વોચ ગોઠવી બારડોલી અને પલસાણા ખાતે ગાડીના કાચ તોડી ચોરી કરનાર નાયડુ ગેંગના શખ્સને સોનાની બે બિસ્કીટ સાથે ઝડપી પાડયો હતો. પકડાયેલો શખ્સ નાયડુ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું જણાય છે.
સુરત જિલ્લા એલસીબીની ટીમે કડોદરા ખાતે બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી મુજબ આવેલા શખ્સને ઝડપી પાડી તેની અંગજડતી લેતા તેની પાસેથી ૧૦૦ ગ્રામવાળી સોનાની બે બિસ્કિટ મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા સુરજ સુબ્રમણી સભૈયા નાયડુ (ઉ.વ.૪૫, રહે.નવાપુર, અંબાજી માતાના મંદિરની નજીક, જી.નંદરબાર, મહારાષ્ટ્ર)એ બે માસ અગાઉ બારડોલી ખાતે ગાડીનો કાચ તોડી ચોરી કરેલી હતી. જ્યારે પલસાણા ખાતે પણ એક ગાડીનો કાચ તોડી રોકડા રૃપિયા ચોરી કરેલા હોવાની કબુલાત કરી હતી. બંને સોનાની બિસ્કીટ કિંમત રૃ.૯,૮૫,૦૦૦ કડોદરા ખાતે વેચવા આવેલો હતો. પોલીસે સોનાની બિસ્કીટની સોની પાસેથી ખરાઇ કરાવી કડોદરા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.