સુરત પાલિકા વિસ્તારમાં રાજ્ય સરકારે પ્રતિબંધીત કરેલા કોનોકાર્પસના બે લાખ કરતાં વધુ વૃક્ષો

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
સુરત પાલિકા વિસ્તારમાં રાજ્ય સરકારે પ્રતિબંધીત કરેલા કોનોકાર્પસના બે લાખ કરતાં વધુ વૃક્ષો 1 - image


- જાણ્યે અજાણ્યે સુરત પાલિકાએ પર્યાવરણને નુકશાન પહોંચાડનાર અઢળક વૃક્ષ રોપ્યા

- પાલિકાએ અને લોકોએ મોટા કરેલા કોનોકાર્પસ વૃક્ષને દુર કરવાની કામગીરી ચાલી રહી છે : કોનોકાર્પસના સૌથી વધુ વૃક્ષો વરાછા બી ઝોનમાં છે

સુરત,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર

ગુજરાત સરકારે પ્રતિબંધ મુક્યો છે તેવા કોનોકાર્પસના વૃક્ષોને સુરતમાં મોટી સંખ્યામાં ઉછેરવા માટે પાલિકાની મહત્વની ભૂમિકા બહાર આવી છે. પાલિકાએ જાણ્યે અજાણ્યે પર્યાવરણને નુકશાન પહોંચાડનાર અઢળક વૃક્ષ રોપ્યા છે. આ પ્રકારના વૃક્ષો ઝડપથી મોટા થતાં હોવાથી સુરતીઓએ પણ મોટી સંખ્યામાં ઉગાડ્યા છે. સુરત પાલિકાએ કરેલા સર્વેમાં બે લાખ જેટલા નાના મોટા કોનોકાર્પસના વૃક્ષ છે જેમાંથી સૌથી વધુ વૃક્ષો પાલિકાના વરાછા બી ઝોનમાં છે.  સરકારના આદેશ બાદ પાલિકાએ તબક્કાવાર આ પ્રતિબંધિત વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરી છે. ગુજરાત સરકારે પ્રતિબંધ મુક્યા બાદ સુરત મહાનગરપાલિકામાં પણ આવા પ્રતિબંધિત વૃક્ષ મોટી માત્રામાં હોવાનો અંદાજ હતો. પાલિકાએ આ અંગેનો સર્વે કરતાં શહેરમાં સુરત મહાનગરપાલિકા સાથે સ્થાનિક લોકો મળીને બે લાખ જેટલા કોનોકાર્પસના વૃક્ષ હોવાનો અંદાજ બહાર આવ્યો છે. ગુજરાત સરકારે કોનોકાર્પસ પર પ્રતિબંધ મૂક્યા બાદ સુરત મહાનગરપાલિકા ગાર્ડન સમિતિમાં સભ્ય વ્રજેશ ઉનડકટે શહેરમાંથી આવા પ્રતિબંધિત વૃક્ષને ઝડપથી દૂર કરવા માટે માગણી કરી હતી. 

પાલિકાએ સર્વે કરતાં શહેરમાં ડિવાઈડરમાં 65290 રનીગ મીટરમાં કોનોકાર્પસના વૃક્ષ છે એટલે એક રનીંગ મીટરમાં બે વૃક્ષ હોય તેવી ગણતરી પ્રમાણે ડિવાઈડરમાં એક લાખ ત્રીસ હજાર કરતાં વધુ કોનોકાર્પસના રોપા છે. આવી જ રીતે 37617 ટોપયરી નંબર છે જે બીઆરટીએસ રૂટ પર બોક્સમાં ઉગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં 13430 જેટલા મોટા વૃક્ષ છે.

પાલિકાએ આ સર્વે કર્યો છે તેમાં ખાનગી જગ્યા જેવી કે ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ અને ખાનગી માલિકીના પ્લોટ સહિત અનેક જગ્યાએ સર્વે થયો નથી તેથી આ સંખ્યા પણ મોટી થઈ રહી છે. જોકે, પાલિકાએ અઠવા ઝોનમાંથી કોનોકાર્પસના વૃક્ષો કાપવાની શરૂઆત કરી છે. આગામી દિવસોમાં પાલિકા અને ખાનગી માલિકીની જગ્યામાં ઉગાડેલા કોનોકાર્પસ વૃક્ષ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. 

અઠવા ઝોનમાં ત્રણ સ્થળેથી કોનોકાર્પસ દૂર થયા

પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહેલા કોનોકાર્પસ વૃક્ષ વિરુદ્ધ લોકોમાં ધીરે-ધીરે જાગૃતિ જોવા મળી રહી છે. બીજી તરફ પાલિકાના અઠવા ઝોનમાં ધોડદોડ રોડ અને પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલ ફ્લાયઓવર બ્રિજની નીચે ત્રણ સ્થળેથી કોનોકાર્પસ વૃક્ષ દુર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આ સ્થળે અન્ય પ્રજાતિના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ રીતે જ કોનોકાર્પસના વૃક્ષો દૂર કરવામાં આવશે.


Google NewsGoogle News