જુની પેન્શન યોજના : આગામી 9 માર્ચે એક લાખથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ ભગવા વસ્ત્રો અને જય શ્રી રામ નામના ખેસ પહેરી ગાંધીનગર પહોંચશે
- ઓનલાઇન કામગીરીનો બહીષ્કાર, પેન ડાઉન, ચોક ડાઉન થશે
- જુની પેન્શન યોજના માટે સરકાર સાથેના સમાધાન મુજબ પ્રશ્નો ન ઉકેલાતા આંદોલનાત્મક કાર્યક્રમોની રણનીતિ માટે સુરતમાં મળી બેઠક
સુરત,તા.01 માર્ચ 2024,શુક્રવાર
સુરત સહિત ગુજરાતના શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ ઓગસ્ટ 2022માં આંદોલન થયેલ. સરકાર સાથે થયેલ સમાધાન મુજબ તથા અન્ય પડતર પ્રશ્નો ન ઉકેલાતા આંદોલનાત્મક કાર્યક્રમો અંગે રણનીતિ ઘડવા ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. ત્યારબાદ આજે યુ.આર સી.ભવન ઉધનાના પ્રાંગણમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગરની કારોબારી બેઠકનું આયોજન થયું હતું. જેમાં આંદોલનાત્મક કાર્યક્રમોની રણનીતિ માટે ચર્ચા વિચારણા કરવામા આવી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ ઓગસ્ટ 2022માં આંદોલન થયેલ. સરકાર સાથે થયેલ સમાધાન મુજબ તથા અન્ય પડતર પ્રશ્નો ન ઉકેલાતા આંદોલનાત્મક કાર્યક્રમો અંગે રણનીતિ માટે ગાંધીનગર ખાતે એક બેઠક મળી હતી. ત્યારબાદ આજે સવારે યુ.આર.સી.ભવન ઉધનાના પ્રાંગણમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગરની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના હોદ્દેદારોની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રાંત કક્ષાએથી જાહેર કરાયેલ જૂની પેન્શન લાગુ કરવા અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આપેલ પેન ડાઉન, ચોક ડાઉન અને મતદાન અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી. આ ઉપરાંત સુરત મહાનગરના 44 કેન્દ્રો પર મતદાન કરવા અને તેના પોલીંગ સ્ટાફની પસંદગી કરવા બાબતે હોદ્દેદારો સાથે ચર્ચા કરી ઝોનલ અધિકારી તેમજ સબ ઝોનલ અધિકારીની સર્વ સંમતિથી નિમણૂક કરવામાં આવી હતી અને પોલિંગ સ્ટાફ અને મતદાનની ગણતરી કરવા માટે કાઉન્ટીંગ સ્ટાફની પસંદગી કરવા તમામ ઝોનના અધ્યક્ષ અને મહામંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી.
આ સમય દરમિયાન જો 7 કે 8 માર્ચ સુધી સરકાર દ્વારા તમામ પડતર માંગ નહીં સ્વીકારવામાં આવે તો 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહા પંચાયતમાં જવા માટેનું આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે. કેસરી ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના વિવિધ સંગઠનો સંલગ્ન એક લાખ થી વધુ શિક્ષક કર્મચારીઓ ભગવા વસ્ત્રો,ખેસ, જય શ્રી રામ નામની પતાકા, સાફા પહેરી ગાંધીનગર પહોંચશે તે અંગેની વાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગુજરાત રાજ્યના 8,50,000શિક્ષક કર્મચારીઓના હિતમાં આગામી ૬ માર્ચ ૨૦૨૪ ના રોજ મહા મતદાન, ઓનલાઇન કામગીરીથી અળગા રહેવા, પેન ડાઉન, ચોક ડાઉન નો નિર્ણય પણ કરવામા આવ્યો છે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયા
- 6 માર્ચ પેન ડાઉન, ચોક ડાઉન અને મતદાન કાર્યક્રમ
- શિક્ષણ સમિતિના 44 કેન્દ્રો પર થશે મતદાન
- પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તમામ શિક્ષકો અને કર્મચારીઓ કરશે મતદાન
- ઝોનલ અધિકારીઓ અને સબ ઝોનલ અધિકારીઓની પસંદગી કરવામાં આવી
- 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહા પંચાયતનું આયોજન