ડાયમંડ સિટી સુરતના મોડેલ અઠવા ઝોન ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ, રસ્તાઓ બન્યા નહેર
Heavy Rain in Surat : સુરતમાં સતત બીજા દિવસે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે વરસાદ સુરતીઓને ધમરોળી રહ્યો છે તેમાં પણ સુરત પાલિકાના વીઆઈપી અને મોડેલ ઝોન ગણાતા અઠવા ઝોનની હાલત પણ ભારે વરસાદના કારણે કફોડી બની ગઈ છે. અઠવા ઝોનના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણીનો ભરાવો થયો છે. તેમાં પણ અનેક રોડ જાણે નહેર કે નદી હોય તેવી રીતે પાણીમાં ડુબી ગયાં છે.
સુરત પાલિકાનો અઠવા ઝોન પાલિકાના તમામ નવ ઝોનમાં મોડેલ ઝોન કહેવાય છે. આ ઝોનમાં પણ આ વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી સામે ભારે અસંતોષ દાખવવામાં આવ્યો હતો. પહેલા થોડા વરસાદમાં કેટલાક સ્થળોએ પાણીનો ભરાવો થયો હતો. પરંતુ ગઈકાલે રાત્રે અને આજે સવારથી પડી રહેલા વરસાદે પાલિકાના વીઆઈપી અઠવા ઝોનની હાલત કફોડી કરી દીધી છે.
સુરત પાલિકાના અઠવા ઝોનમાં આવેલા ભગવાન મહાવીર કોલેજ, વેસુ, વીઆઈપી રોડ સહિતના અનેક રોડ પર આજે સવારે પણ પાણીનો ભારે ભરાવો જોવા મળ્યો હતો. કેટલાક રોડ તો પુરેપુરા પાણીમાં ગરક થઈ ગયાં હતા અને જાણે રોડ નહી પરંતુ નહેર વહેતી હોય તેવા દ્રશ્યો આજે બીજા દિવસે પણ જોવા મળ્યા હતા.