સુરતના કાપોદ્રામાં મોબાઈલ શોપનું તાળું ગેસ કટરથી કાપી રૂ.30 લાખના મોંઘા મોબાઈલ ફોનની ચોરી
image : Freepik
- મળસ્કે ત્રણ વાગ્યે આવેલા બે ચોર પૈકી એક વોચમાં ઉભો રહ્યો અને બીજાએ તાળું કાપી અંદર પ્રવેશી ચોરી કરી
- દોઢ કલાક સુધી બંને ત્યાં હાજર હતા : પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
સુરત,તા.04 માર્ચ 2024,સોમવાર
સુરતના કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપીંગ સેન્ટરમાં આવેલી ગુજરાત મોબાઈલ શોપનું તાળું આજે સવારે ગેસ કટરથી કાપી બે ચોર રૂ.30 લાખના મોંઘા મોબાઈલ ફોન ચોરી ફરાર થતા કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપીંગ સેન્ટરમાં ગુજરાત મોબાઈલ શોપ આવેલી છે. આજે મળસ્કે ત્રણ વાગ્યે બે અજાણ્યા ત્યાં આવ્યા હતા અને તે પૈકી એક બહાર વોચમાં ઉભો રહ્યો હતો. જયારે માથે ટોપી અને મોઢા પર રૂમાલ બાંધેલા બીજા અજાણ્યાએ ગેસ કટરથી મોબાઈલ શોપના બંને તાળા કાપી શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજીત રૂ.30 લાખની મત્તાના મોંઘાદાટ મોબાઈલ ફોનની ચોરી કરી લગભગ દોઢ કલાક બાદ બંને ફરાર થઈ ગયા હતા. સવારે ચોરી અંગે જાણ થતા દુકાનદારે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.