સુરત સરકારી શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન સામાજિક એકતાના દર્શન : લઘુમતી સમાજના વિદ્યાર્થીઓએ કુમકુમ પગલાં કરી લીધો શાળામાં પ્રવેશ
Surat Shala Praveshotsav : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવેશોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે સામાજિક એખલાસના દર્શન થયાં હતા. સુરત શહેરમાં સરકારી શાળામાં પ્રવેશ માટે આવેલા લઘુમતી સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ અને અગ્રણીઓ વિદ્યાર્થીઓને કુમકુમ પગલા પાડીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. વધુને વધુ વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન મળે તે માટે સરકાર સાથે સમાજના અગ્રણીઓ પણ આગળ આવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધોરણ-1માં પંદર હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સાથે શરૂ થયેલા પ્રવેશોત્સવમાં આજે ત્રીજા દિવસે અનેક સ્કૂલમાં કોમી એખલાસના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના રાંદેરના લઘુમતી વિસ્તારમાં આવેલી ગુજરાતી અને ઉર્દૂ શાળાઓ ક્રમાંક 156-164 માં મોટા ભાગે લઘુમતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સમાજમાં પુજાને મહત્વ ન હોવા છતાં શાળામાં પ્રવેશ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સામાજિક અગ્રણીઓ પણ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા છે. લઘુમતી સમાજના અગ્રણી એવા ઈમ્તિયાઝ મુંબઈવાલા જે શાળાના દાતા છે તેઓએ લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને કુમકુમ પગલાં કરીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓને નોટબુક તથા સ્કુલ કીટ પણ ગિફ્ટ કરી હતી.
આવી જ રીતે શહેરના કોટ વિસ્તારમાં આવેલી શાળાઓમાંથી કેટલીક શાળાઓમાં મહત્તમ લઘુમતી સમાજના વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આજે શાળા ક્રમાંક 128 અને 130 માં પણ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકાના કાયદા સમિતિના અધ્યક્ષ નરેશ રાણા તથા અન્ય મહાનુભવોએ લઘુમતી વિદ્યાર્થીનીઓને કુમકુમ તિલક સાથે પગલાં પાડીને પ્રવેશ આપ્યો હતો. આ વર્ષે પણ પ્રવેશોત્સવમાં સદ્દભાવનાના દર્શન થયા હતા. સમિતિની સ્કૂલમાં અભ્યાસ કરતા લઘુમતી સમાજના વિદ્યાર્થીઓએ પણ હોશે હોશે કમકુમ પગલાં પડાવ્યા હતા. જેમાં વાલીઓ સાથે લઘુમતી સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા.