વરસાદએ વિદાય પહેલા સુરત પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી : લિંબાયતના કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
વરસાદએ વિદાય પહેલા સુરત પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી  : લિંબાયતના કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી 1 - image


- રાત્રીના પડેલા વરસાદના કારણે લિંબાયત આરડી ફાટક, નીલગીરી ગ્રાઉન્ડ રોડ, શ્રીનાથ સોસાયટી સહિત કેટલીક દુકાનો અને ઘરમાં સવારે પાંચ વાગ્યે પાણી ફરી વળ્યા

સુરત,તા.25 સપ્ટેમ્બર 2023,સોમવાર

સુરત શહેરમાં વરસાદની લગભગ જતા જતા છેલ્લા વરસાદે પણ પાલિકાની કામગીરીની પોલ ખોલી દીધી છે. ગઈકાલે રાત્રે ઉધના-લિંબાયતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી. લિંબાયત આરડી ફાટક, નીલગીરી ગ્રાઉન્ડ રોડ, શ્રીનાથ સોસાયટી સહિત કેટલીક દુકાનો અને ઘરમાં સવારે પાંચ વાગ્યે પાણી ફરી વળ્યા હતા. લોકો ઊંઘમાં હતા અને પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ત્યારબાદ સવારે નોકરી ધંધા જનારા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. 

સુરતમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન વરસાદના ઝાંપટા પડતા હતા પરંતુ રવિવારે મોડી રાત્રીથી સોમવાર સવાર સુધીમાં લિંબાયત અને ઉધના ઝોનમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે લિંબાયત ઝોનમાં આવેલા આર.ડી ફાટક, નીલગીરી ગ્રાઉન્ડ રોડમાં પાણીનો ભરાવો થયો હતો. તો કેટલીક જગ્યાએ ગટરના પાણી પણ બેક માર્યા હતા. આમ વરસાદ અને ગટરના પાણીનો ભરાવો અનેક જગ્યાએ થયો હતો. 

લિંબાયત વિસ્તારમાં આવેલી શ્રીનાથ સોસાયટીના ચારેક જેટલા ઘર અને દુકાનોમાં લોકો હજી ઉઠે તે પહેલાં જ પાણી ભરાયા હતા જેના કારણે લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. વહેલી સવારે લોકો સાયકલ કે વાહનો લઈને નોકરીએ જતા હતા તેઓ ઘૂંટણ સમા પાણીમાં  રસ્તો ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ પાણીનો નિકાલ કરવા માટે કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા કરવાની ફરજ પડી હતી. તો કેટલાક બાઈક ચાલકો આ પાણીમાંથી બાઈક લઈ પસાર થતા હતા તો તેમની બાઈક પણ બંધ થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. 

આ અંગેની જાણ થતા પાલિકાની ટીમ સ્થળ પર પહોચી ગઈ હતી ત્યાં ડ્રેનેજના ઢાંકણા પર ભેગા થયેલા કચરાના કારણે તથા વધુ વરસાદના કારણે પાણીનો ભરાવો થયો હોવાનું જણાયું હતું અને પાલિકાની ટીમે સફાઈ કરીને પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી છે.


Google NewsGoogle News