સુરતમાં મેટ્રોની કામગીરી બની આફતરૂપ : તંત્ર અને રાજકારણીઓના પાપે સુરતીઓ ત્રસ્ત, રસ્તા પરના ખાડા બન્યા માથાનો દુખાવો

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
સુરતમાં મેટ્રોની કામગીરી બની આફતરૂપ : તંત્ર અને રાજકારણીઓના પાપે સુરતીઓ ત્રસ્ત, રસ્તા પરના ખાડા બન્યા માથાનો દુખાવો 1 - image


Surat News : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ એલપી સવાણીથી પાલનપોર જકાતનાકા તરફ જતા રોડ પરની મેટ્રોની કામગીરી આ વિસ્તારમાં રહેતા લોકો અને દુકાનદારો માટે આફત બની રહી છે. આ વિસ્તારમાં મેટ્રોના બેરીકેટ તો કાઢી નાખવામાં આવ્યા છે પરંતુ મોટા ખાડા પુરવાની તસ્દી મેટ્રો દ્વારા લેવામાં આવી નથી. જેના કારણે આ રોડ પર વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે. મેટ્રોના રોડ પર મોટા ખાડા હોવાથી આસપાસની સોસાયટી તથા દુકાનદારો માટે મુશ્કેલી થઈ રહી છે પરંતુ પ્રજાની આ પીડા રાજકારણીઓને દેખાતી નથી. તેથી મેટ્રોના કારણે લોકોની હાલત કફોડી થઈ રહી છે. 

સુરતીઓને મેટ્રોનું મોટું સપનું સુરતીઓ માટે આફત બની રહ્યું છે. મેટ્રોની કામગીરી સાથે લોકોની હેરાનગતિ વધી રહી છે. પરંતુ સુરતનું વહિવટી તંત્ર કે રાજકારણીઓને પ્રજાની કંઈ પડી ન હોવાથી મેટ્રોના કારણે થતી સમસ્યા હલ કરવા માટે કોઈ નક્કર પ્રયાસ કરવામાં આવતી નથી. સુરતના નાના વરાછામાં મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેઈન અકસ્માતના કારણે અન્ય જગ્યાએ મેટ્રોની કામગીરી અટકી ગઈ છે. પરંતુ તેની સાથે લોકોની મુશ્કેલી બેવડાઈ રહી છે.

સુરતમાં મેટ્રોની કામગીરી બની આફતરૂપ : તંત્ર અને રાજકારણીઓના પાપે સુરતીઓ ત્રસ્ત, રસ્તા પરના ખાડા બન્યા માથાનો દુખાવો 2 - image

 સુરત પાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં એલપી સવાણીથી પાલનપોર જકાતનાકા વિસ્તારમાં મેટ્રોના એલીવેટેડ રૂટની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ વિસ્તારમાં લોકો રહેતા ન હોય તેવી રીતે મેટ્રો દ્વારા મનમાની રીતે કરતા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. આ વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેરિકેટિંગ કાઢી નાખવામાં આવ્યા છે પરંતુ રોડ રિપેર કરવાની તસ્દી મેટ્રો કે પાલિકાએ લીધી નથી, જેનો ભોગ સુરતીઓ બની રહ્યા છે. 

આ વિસ્તારમાં મેટ્રોના બેરીકેટ કાઢી નાખ્યા બાદ મોટા મોટા ખાડા હજી પણ રસ્તા પર જ છે. આ રોડ ચંદ્ર પરના મોટા ખાડા જેવો રોડ બની ગયો છે અને તેમાં પણ પાણી ભરાયું હોય ત્યારે આ રસ્તો વાહન ચાલકો માટે ઘાતક બની જાય છે. મોટા ખાડા પડ્યા છે અને બીજી તરફ મેટ્રોના મોટા વાહનો પણ દોડી રહ્યાં છે. તેમ છતાં મોટા ખાડા પુરવા માટેની કે તૂટેલા રોડ બનાવવાની કામગીરી હજુ પણ કરવામાં આવી નથી. તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ કામગીરી મેટ્રોએ કરવાની હોય છે તેમ કહીને પાલિકા તંત્ર હાથ ઉંચા કરી રહી છે તો બીજી તરફ મેટ્રો કામગીરી કરતી નથી તેથી લોકોની મુશ્કેલી વધી રહી છે અને રાજકારણીઓ મુક પ્રેક્ષક બનીને જોઈ રહ્યાં છે તેમાં પ્રજા પીસાઈ રહી છે.


Google NewsGoogle News