સુરત: નવરાત્રી માટે લાઇટિંગ વાળી અને માતાજીના નવ રૂપો વાળી માટલીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર
સુરત, તા. 04 ઓક્ટોબર 2020 રવિવાર
કોરોના વાયરસના કારણે આ વખતે સરકારે નવરાત્રી નહીં યોજવાનો નિર્ણય કર્યો છે પરંતુ માતાના આરાધના પર્વ નવરાત્રિ નિમિત્તે લોકો ઘરમાં માટલી મૂકી માતાજીની સ્થાપના કરશે. 9 દિવસ ચાલનારી નવરાત્રી માટે બજારમાં અવનવી ડિઝાઇન અને રંગબેરંગી લાઇટિંગ વાળી માટલીઓ આ વર્ષે જોવા મળી છે.
માતાજીની પૂજા-અર્ચનાનો તહેવાર એટલે નવરાત્રી. ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રી એટલે ગરબાના તાલે ઘુમવાનો અવસર. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સરકારે નવરાત્રિ ના યોજવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ દિવસો મા માતાજીની પૂજા અર્ચના લોકો ઘરમાં જ કરશે.
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન માતાજીની માટલી મૂકીને સ્થાપના કરવામાં આવતી હોય છે, જેને લોકો ગરબો કહે છે.
આ વખતે ભલે લોકો ગરબા નહીં રમવા ના હોય પરંતુ માતાજીની માટલી ની સ્થાપના ઘરમાં જરૂર કરશે. તે માટે બજારમાં આ વખતે રંગબેરંગી લાઇટ વાળી માટલી આકર્ષણનું કેન્દ્ર બની છે આ સિવાય માતાજીના નવ રૂપના ફોટા વાળી માટલી અને આભલા વાળી આકર્ષક માટલીઓ જોવા મળી છે.
આ અંગે માટલી બનાવનાર જય પટેલ કહે છે કે"અમે છેલ્લા એક મહિનાથી આ માટલી ડેકોરેશનનું કામ કરીએ છે. આ વખતે ગરબા તો રમવાના નથી પરંતુ કોરોનાના આ કપરા સમયમાં અમારા કાંઠા વિસ્તારના લોકો ઘરે ઘરે માતાજીની સ્થાપના કરે છે અને માતાજીને આ કપરા સમયને જલ્દી પૂરો કરે તેવી પ્રાર્થના કરશે. અમે વિવિધ લાઇટિંગ વાળી માટલી બનાવી છે. સાથે જ માતાજીના નવ રૂપોને માટલી પર કંડાર્યા છે. આભલા અને ફૂલો વડે માટલીનો શણગાર કર્યો છે.