Get The App

સુરતમાં કેનાલમાં વિસર્જન પર પ્રતિબંધ છતાં પાલનપોર કેનાલમાંથી અનેક શ્રીજીની પ્રતિમા રઝળતી મળી આવી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
સુરતમાં કેનાલમાં વિસર્જન પર પ્રતિબંધ છતાં પાલનપોર કેનાલમાંથી અનેક શ્રીજીની પ્રતિમા રઝળતી મળી આવી 1 - image


- વિસર્જન માટે સુરતમાં બનાવેલી ગાઈડ લાઈન માત્ર કાગળ પર જ રહી 

- કેનાલમાં પ્રતિમા વિસર્જન કરનારા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ સાથે કેનાલ પર બંદોબસ્ત મૂકવા ગણેશ ઉત્સવ સમિતિની માંગણી

સુરત,તા.25 સપ્ટેમ્બર 2023,સોમવાર

એન.જી.ટીના આદેશ બાદ સુરતમાં નદી, તળાવ અને કેનાલમાં પ્રતિમા વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં આ વર્ષે પણ પાંચ દિવસના ગૌરી ગણેશ વિસર્જન કેટલીક કેનાલમાં કરવામાં આવ્યું છે. પાલનપોર કેનાલમાંથી ગણેશજીની રઝળતી પ્રતિમા મળી આવ્યા બાદ ગણેશ ભક્તોની લાગણી દુભાઈ છે તો બીજી તરફ ગણેશ ઉત્સવ સમિતિ આવા કૃત્ય માટે પોલીસ અને કલેકટરની સંકલન મીટીગનો અભાવ હોવાના કારણે આ પ્રશ્નો ઉદ્દભવિત થયા હોવાની વાત ગણેશ ઉત્સવ સમિતિ એ કરી છે. આ સાથે સાથે ગણેશ ઉત્સવ સમિતિએ કેનાલમાં ગણેશ વિસર્જન કરનારા સામે પોલીસ કેસ કરવાની પણ માગણી કરી છે.

સુરતમાં પાંચ દિવસના ગૌરી ગણેશ વિસર્જન માટે પાલિકાએ બનાવેલા 20 કૃત્રિમ તળાવમાં પાંચ હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકાએ 20 જેટલા કૃત્રિમ તળાવ બનાવ્યા છે અને અનેક લોકો ઘર આંગણે પણ વિસર્જન કરી રહ્યાં છે તેની વચ્ચે પાલનપોર નજીકથી પસાર થતી કેનાલમાં કેટલાક લોકોએ પ્લાસ્ટર ઓફ પેરીસની શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી જતા રહ્યા છે. પાલનપોર કેનાલમાંથી ગણેશજીની રઝળતી હાલતમાં મળી આવેલી પ્રતિમા બાદ સુરત ગણેશ વિસર્જન સમિતિ સફાળી જાગી છે અને દોષનો ટોપલો કલેક્ટર અને પોલીસની કામગીરી પર ઢોળી રહ્યાં છે. 

કેનાલમાં ગણેશ વિસર્જન કરેલી પ્રતિમા મળી આવ્યા બાદ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટ વાલા સ્થળ પર આવ્યા હતા. કેનાલમાં શ્રીજીની પ્રતિમાની દયનીય હાલત બાદ તેઓએ કહ્યું હતું કે, સુરત શહેર સંતો દ્વારા જે આચારસંહિતા બહાર પાડવામાં આવી છે તેની સાથે પોલીસ અને કલેક્ટર દ્વારા સંકલન બેઠક બોલાવવામાં આવે છે તેમાં સંકલનનો અભાવ હોવાના કારણે આવા પ્રશ્નો ઉદભવી રહ્યાં છે. હિન્દુ ધર્મના ભક્તો જ્યારે ગણેશજીની પુજા અર્ચના કર્યા બાદ આવી રીતે વિસર્જન કરે તે અત્યંત દુઃખદ બાબત છે અને પાપ પણ લાગશે. 

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો પોલીસ અને કલેક્ટર તંત્ર બરાબર કામગીરી કરતે તો અમે સંકલન સમિતિમાં અમે કહી શકતે કે કેનાલ પર તમારે ખાસ બંદોબસ્ત ગોઠવવો જોઈએ. તેઓએ કલેક્ટરને આવેદનપત્ર આપવાની વાત કરતાં કહ્યું હતું કે, શહેરમાંથી પસાર થતી કેનાલ પર વિભાગના કર્મચારીઓ તૈનાત કરવા સાથે સુવાલી દરિયા કિનારે બોર્ડ મુક્યા છે તેવા બોર્ડ પણ  મુકવા જોઈએ. કેનાલમાં પ્રતિમા વિસર્જન કરનારા પર પગલાં ભરવાની માંગ કરતા તેઓએ કહ્યું હતું કે, આ જગ્યાએ જે લોકો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી ગયા છે તેવા સામે પોલીસ કેસ કરવામાં આવે તો ગણેશ ઉત્સવ સમિતિ તત્પર છે.


Google NewsGoogle News