સુરતના ગોડાદરા મીડાસ સ્કવેર પાસે વૃદ્ધાના એક કાનમાંથી રૂ.27 હજારની મત્તાની સોનાની બુટ્ટી અને સેર ખેંચી અજાણ્યો ફરાર
- વૃદ્ધા વરાછા ખાતે સંબંધીને ત્યાં બેસવા ગયા હતા : બીઆરટીએસ બસમાંથી ઉતરી ચાલતા ચાલતા ઘરે આવતા હતા ત્યારે બનાવ બન્યો
- વૃદ્ધાએ ચોર ચોરની બૂમો પાડતા લોકો દોડી આવ્યા હતા પણ અજાણ્યો ભાગી છૂટ્યો
સુરત,તા.28 ઓક્ટોબર 2023,શનિવાર
સુરતના ગોડાદરા મીડાસ સ્કવેર પાસે ગતસાંજે વૃદ્ધાના એક કાનમાંથી રૂ.27 હજારની મત્તાની સોનાની બુટ્ટી અને સેર ખેંચી અજાણ્યો ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો ભાવનગર જેસરના ઉગલવાણઅને સુરતમાં ગોડાદરા પરવત રોડ મીડાસ સ્કવેરની સામે સ્કાય બ્લ્યુ હાઈટસ બી-701 માં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ તરુણભાઈ પ્રતાપરાય દવેના માતા હંસાબેન (ઉ.વ.63) ગત સાંજે વરાછા ખાતે સંબંધીને ત્યાં બેસવા ગયા હતા. ત્યાંથી બીઆરટીએસ બસમાં બેસી સાંજે સાત વાગ્યે તે ગોડાદરા પરત આવ્યા હતા અને મીડાસ સ્કવેર સ્ટોપ પર ઉતર્યા હતા. ત્યાંથી તે ચાલતા ચાલતા ઘરે જતા હતા ત્યારે પાછળથી 25 થી 30 વર્ષનો અજાણ્યો આવ્યો હતો અને તેમના ડાબા કાનમાંથી રૂ.27 હજારની મત્તાની સોનાની બુટ્ટી અને સેર ખેંચી ફરાર થઈ ગયો હતો.
હંસાબેને ચોર ચોરની બૂમો પાડતા લોકો દોડી આવ્યા હતા પણ અજાણ્યો ભાગી ગયો હતો. હંસાબેને આ અંગે તરુણભાઈને ફોન કરી જાણ કરતા તે પણ દોડી આવ્યા હતા અને બાદમાં ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.