'મારી માતા પણ હિન્દુ જ હતી...', પૂર્વ MLAના પુત્ર સાથે મુસ્લિમ યુવતીએ પ્રેમલગ્ન કરતા થયો વિવાદ, પરિવારે કલેક્ટરને કરી રજૂઆત
Gaurav Vasava Love Marriage : દેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ સાથે પ્રેમલગ્ન કરનાર મુસ્લિમ પરિવારની યુવતીએ તેના માતા અને પિતા વિરૂદ્ધ ત્રાસ-મારઝૂડ અને ધમકીઓ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ખુદ યુવતીએ તેના માતા અને પિતા સામે ફરિયાદ નોંધાવતા ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ મુસ્લિમ યુવતીના પરિવારજનો, મુસ્લિમ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચીને મહેશ વસાવા અને ગૌરવ વસાવા સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે. આમ, છોટુ વસાવાના પૌત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી લેતા યુવક અને યુવતીના પરિવારો આમને-સામને જોવા મળી રહ્યાં છે.
માતા-પિતા સામે જ પુત્રીની ફરિયાદ
નર્મદા જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી ગામની મૂળ વતની પરંતુ હાલ પતિ ગૌરવ મહેશભાઈ વસાવા સાથે માલજીપુરામાં રહેતી ફૈઝાએ તેના પિતા મોહમ્મદ મુનાફ શેખ માતા મુન્તશીરા સામે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યું છે કે મને ગૌરવ સાથે ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી પ્રેમસંબંધ હતો અને એક માસ અગાઉ મેં મારી મરજીથી ગૌરવ સાથે પ્રેમલગ્ન કર્યા છે.
ગૌરવ સાથે પ્રેમ હોવાની જાણ થતાં જ ફૈઝા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું
કોરોના દરમિયાન હું ગૌરવ સાથે મોબાઇલ પર વાતચીત કરતી હતી ત્યારે માતા જોઇ જતાં તેની જાણ મારા પિતાને કરી હતી. બાદમાં પિતા ગુસ્સે થઈને મારા માથાના વાળ પકડી મારઝૂડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મારો મોબાઇલ પણ તોડી નાંખ્યો હતો. મારા ગૌરવ સાથેના પ્રેમલગ્નની જાણ થતાં માતા અને પિતા અવારનવાર માનસિક તેમજ શારીરિક રીતે હેરાન કરતાં હતા. મારા માતા અને પિતાના ત્રાસથી કંટાળી ગૌરવને ફોન કરી લેવા માટે બોલાવ્યો હતો. જેથી તા.23 ઓગસ્ટના રોજ ગૌરવ તેની ગાડી લઈને તેના મિત્ર સાથે આવ્યો હતો અને મને તેની ગાડીમાં બેસાડીને લઈ જઈ મહાદેવના મંદિરે ફૂલહાર કર્યા હતા અને બાદમાં વડોદરા ખાતે હિન્દુ ધર્મ મુજબ લગ્ન કર્યા હતાં.
મારી માતા પણ મૂળ હિન્દુ હતી : યુવતી
દેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ સાથે પ્રેમલગ્ન કરનારા ફૈઝાએ ફરિયાદમાં માતા અને પિતા સામે ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી માતા પણ મૂળ હિન્દુ હતી તેમનું અસલ નામ રેશ્માબેન હતું અને તેમણે પણ મારા પિતા મુનાફ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે વર્ષ-2022માં હું વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્યારે મારા પિતાએ મારો અભ્યાસ છોડાવી દીધો હતો.
જો નહી માને તો દુબઈ વેચી દેવાની માતા-પિતાએ આપી હતી ધમકી : યુવતી
ઝઘડિયા તાલુકાના ધારોલી ગામની ફૈઝાએ પોલીસ ફરિયાદમાં માતા અને પિતા સામે આક્ષેપો કર્યા છે કે મારા પિતાને મારા પ્રેમસંબંધની જાણ થતાં જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. ગળા પર શેરડી કાપવાનું હથિયાર મૂકી જાનથી મારી નાંખવાની તેમજ એસિડ નાંખી કદરૂપી બનાવી દેવાની ધમકી આપી મોબાઈલ તોડી નાંખ્યો હતો. ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે મારા પિતા ધમકી આપતા હતાં કે તું ગૌરવ સાથે પ્રેમ સંબંધ રાખીશ તો કોઈને ખબર પણ નહીં પડે તે રીતે મારી નાંખીશું અને દફન કરી દઈશું. એવી પણ ધમકી આપી હતી કે અમે કહીએ ત્યાં તારે લગ્ન કરવા પડશે, નહીં તો તને દુબઈ વેચી દઈશું અને જો તેમ પણ નહીં થાય તો તારું અને ગૌરવનું ગળું કાપી ગામમાં લઈને ફરીશું.
મહેશ વસાવા અને ગૌરવ વસાવા સામે યુવતીના પરિવારજનોના આક્ષેપ
યુવતીના પરિવારજનો અને મુસ્લિમ આગેવાનો આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન તેમણે આક્ષેપ કર્યા હતા કે, પૂર્વ ધારાસભ્યના દીકરાએ તેમની દીકરીનું અપહરણ કરી લીધું છે અને એક મહિનાથી ગોંધી રાખી છે. 23-08-2024ના રોજ મારી દીકરી ઘરે હતી ત્યારે ફોર્ચ્યુનર કાર લઈને આવેલા 4-5 લોકોએ મારી દીકરીને ધમકાવીને જબરદસ્તી અપહરણ કર્યું હતું. બાદમાં 31-08-2024ના રોજ વડોદરામાં મેરેજ રજિસ્ટ્રેશન કર્યું છે. ત્યારબાદ આ અંગે અમે 23-09-2024ના રોજ ગુમ થયાની અને અરજી આપી છતા હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. મારી દીકરીના ખોટા નિવેદનોથી મારા પર ફરિયાદ નોંધાઈ છે. પુત્રીને પરત મેળવવા માટે પરિવારે છોટુ વસાવા, મહેશ વસાવા અને દિલીપ વસાવાનો સંપર્ક કર્યો હતો, પરંતુ અમારી દીકરીને મળવા પણ દેતા નથી, ધમકીઓ આપે છે. બીજી તરફ મુસ્લિમ યુવતીનું કહેવું છે કે, ગૌરવ સાથે તે 3 વર્ષથી પ્રેમમાં હતી અને મારી મરજીથી લગ્ન કર્યા છે.