સુરત પાલિકાની દબાણ દૂર કરવાની કામગીરીનો વિરોધ, લારી-ગલ્લાવાળાએ રેલી કરી કાઢ્યો મોરચો
- પાલિકાની દબાણ દૂર કરવાની કામગીરીથી લોકો ખુશ દબાણ કરનારા ના-ખુશ
- છેલ્લા ઘણા વખતથી પાલિકા ઝીરો દબાણ રોડ પર થી આક્રમક રીતે દબાણ દૂર કરી રહી છે, દબાણ કરનારાઓએ રેલી કાઢી પાલિકા કચેરીનો ઘેરાવો કર્યો
સુરત,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વખતથી જાહેર રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા તંત્ર ઝીરો દબાણ રોડ પરથી આક્રમક રીતે દબાણ દૂર કરી રહી છે. પાલિકાની આ કામગીરીને કારણે ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે તો બીજી તરફ રોજીરોટીનો મુદ્દો આગળ કરી દબાણ કરનારાઓએ પાલિકા સામે મોરચો માંડ્યો છે. આજે દબાણ કરનારાઓએ વિશાળ રેલી કાઢીને પાલિકા કચેરી ખાતે મોરચો લઈને આવ્યા હતા.
સુરત શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. આ સમસ્યા વધવાનું કારણ જાહેર રોડ પર આડેધડ થતા દબાણો છે. આ સમસ્યા દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાએ 119 જેટલા રોડને ઝીરો દબાણ રોડ જાહેર કર્યા છે. તેમ છતાં અનેક લોકો આ રોડ પર દબાણ કરીને ન્યુસન્સ કરી રહ્યા છે. પાલિકાએ છેલ્લા ઘણા વખતથી આ દબાણ દૂર કરવાની કામગીરી કડકાઈથી શરૂ કરી છે. જેને કારણે જ્યાં ભારે ટ્રાફિક થતો હતો તે સમસ્યા પણ હળવી થઈ છે. જોકે પાલિકાની આ કામગીરી સામે દબાણ કરનારાઓ ભેગા થઈ ગયા છે. પોતાની રોજીરોટીનો મુદ્દો આગળ કરીને તેઓએ આજે એક વિશાળ રેલી કાઢી હતી. આ રેલી શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને પાલિકા કચેરી પર આવી હતી. બાલિકા કચેરી સામે તેઓએ 99 દૂર કરવાની કામગીરી બંધ કરવાની માંગણી કરી હતી. પાલિકા તંત્ર જે રીતે દબાણ દૂર કરીને સમસ્યા હળવી કરી રહી છે એને કારણે સ્થાનિકો તથા વાહન ચાલકો ખુશ છે, પરંતુ દબાણ કરનારાઓ પાલિકાની આ કામગીરી સામે બાંય ચડાવી રહ્યા છે. આ મોરચા બાદ બાલિકા તંત્ર દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રાખે છે કે બંધ કરી દે છે તે તો સમય જ બતાવશે.