સુરત પાલિકાના આવાસના લોકેશન અને ગુણવત્તા સુધરતા આવાસના ફોર્મ મેળવવા લાંબી લાઈનો
- સુરતના જહાંગીરપુરા, વેસુ, ડિડોલી અને ભીમરાડ ખાતે 2388 આવાસ બનાવવામાં આવશે, લોકો આવાસના ફોર્મ લેવા માટે ઉતાવળા બન્યા
સુરત,તા.1 ડિસેમ્બર 2023,શુક્રવાર
સુરત મહાનગરપાલિકા વિસ્તારના જહાંગીરપુરા, વેસુ, ડિડોલી અને ભીમરાડ ખાતે 2388 આવાસ બનાવવામાં આવશે, આવાસ લેવા માટે ઉતાવળા બન્યા છે. પાલિકાના આવાસના લોકેશન અને ગુણવત્તા સુધરતા આવાસના ફોર્મ મેળવવા લાંબી લાઈન લગાવી છે. આજથી ફોર્મ વિતરણ કામગીરી શરુ કરતા વહેલી સવારથી જ ફોર્મ વિતરણ કરનારી બેંકો પર ફોર્મ લેવા માટે આવાસ ઈચ્છુક લોકોએ લાઈન લગાવી દીધી છે.
સુરત પાલિકાના વર્ષ 2022-23ના બજેટમાં 15 હજારથી વધુ આવાસો બનાવવા માટેની જોગવાઇ કરવામાં આવી છે. ઘર વીહોણા લોકો માટે ઘર આપવાની વિવિધ યોજનામાં અત્યાર સુધીમાં હજારો લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના જહાંગીરપુરા, વેસુ, ડિડોલી અને ભીમરાડ ખાતે 2388 આવાસ બનાવવા માટેની જાહેરાત કરવામા આવી છે. આ ઉપરાંત આ આવાસ મેળવવા માટે બેંકમાંથી ફોર્મ મેળવવા માટેની પણ જાહેરાત થઈ છે.
ફોર્મ વિતરણ કરવા માટેના પહેલા દિવસે આવાસના ફોર્મ લેવા માટે બેંક બહાર લાઈન લાગી ગઈ હતી. મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરમાં ભીમરાડ ખાતે સુમન સ્મિતમાં 928, ડિંડોલીમાં સુમન નુપુરમાં 63 અને વેસુ કેનાલ રોડ પર સુમન શિલ્પમાં 540 તથા જહાંગીરપુરાના સુમન મૈત્રીમાં 808 આવાસ બનાવવામા આવશે. 36 ચોરસ મીટરનો એરિયા ધરાવતાં આ ફ્લેટની કિંમત 5.50 લાખ રૂપિયા અને 50 હજાર રૂપિયા ડિપોઝીટ નિર્ધારિત કરવામાં આવેલ છે. ત્રણ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતાં લાભાર્થીઓ માટે આજથી મહાનગર પાલિકા દ્વારા ફોર્મ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને મેળવવા માટે બેંક બહાર લોકો લાઈન લગાવીને ઉભા રહી ગયા છે. આ ફોર્મ મેળવવા માટે 31 ડિસેમ્બર અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે.