સુરત પાલિકામાં જન્મના દાખલા માટે લાગી રહી છે લાંબી લાઈનો, સોફ્ટવેર બદલાતા લોકોને હાલાકી
Birth Certificate in Surat : સુરત પાલિકાના તમામ ઝોનમાં છેલ્લા બે દિવસથી જન્મના દાખલા માટે લાંબી લાઈનો લાગી રહી છે. સરકાર દ્વારા જન્મના દાખલા માટે સોફ્ટવેર બદલાતા લોકોને હાલાકી વધી રહી છે. જન્મના દાખલા માટે સરકારનું સોફ્ટવેર આવ્યું પણ સર્વર સ્લો ચાલતું હોવા સાથે લોગઈન માટેની સમસ્યા વધી રહી છે.
સુરત પાલિકા દ્વારા જન્મના દાખલા માટે પોતાનું સોફ્ટવેરનો ઉપયોગ થતો હતો ત્યાં સુધી જન્મના દાખલા માટે કોઈ લાઈન લાગતી ન હતી. પરંતુ હાલમાં સરકારે જન્મના દાખલામાં સુધારો કરવા સાથે સોફ્ટવેર પણ બદલ્યું છે. ગુજરાત સરકાર દ્વારા એનઆઈસી ઈ ઓળખ સોફ્ટવેરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, હાલમાં આ સોફ્ટવેર માટે પોર્ટર વારંવાર ધીમું ચાલતું હોવાની ફરિયાદ છે. આ ઉપરાંત એક આઈડી પર એક જ કમ્પ્યુટરમાં લોગઈન થાય છે તેના કારણે દાખલાની પ્રોસેસ ઘણી જ ધીમી પડી ગઈ છે. જેના કારણે જન્મ મરણના દાખલા માટે વધુ સમય લાગતો હોવાથી લાંબી લાઈન લાગી રહી છે. આ અંગેની ફરિયાદ પાલિકા તંત્રને મળતાં તંત્રએ સુધારો કરવા માટે કવાયત શરૂ કરી છે.