લિંબાયતના ડોર ટુ ડોર ના કર્મચારીઓએ પગાર ન મળતા વાહનો થંભાવી દીધા
પાલિકાના ડોર ટુ ડોર ના કર્મચારીઓ નું શોષણ થાય છે ?
બે કલાક સુધી લિંબાયત વાહન ડેપોની બહાર કર્મચારીઓએ વાહન ઉભા રાખી પગાર માટેની માગણી કરતા સુત્રોચ્ચાર કર્યા
સુરત, તા. 04 ડિસેમ્બર 2023 સોમવાર
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ડોર ટુ ડોર ના કર્મચારીઓ આજે સવારે વિજળીયક હડતાળ પર ઉતરી ગયા હતા. સવારે લિંબાયત વાહન ડેપાની બહાર જ વાહનોની લાઈન લગાવી ઉભા કરવા સાથે પગાર આપવાની માગણી કરી હતી. બે કલાક સુધી સૂત્રોચ્ચાર કરતા પાલિકા તંત્ર દોડતું થયું હતું અને એજન્સી સાથે વાટાઘાટ કરતા બે કલાકમાં હડતાળ સંકેલાઈ ગઈ હતી. જોકે, પાલિકાના કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓ નું શોષણ થતું હોવાની વાત ફરી એકવાર ચર્ચામાં આવી છે.
લિંબાયતના ડોર ટુ ડોર ના કર્મચારીઓએ પગાર ન મળતા વાહનો થંભાવી દીધા#Surat #Limbayat #DoortoDoorEmployees #Salary pic.twitter.com/A0mhJxwHwP
— Gujarat Samachar (@gujratsamachar) December 4, 2023
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અભિયાન હેઠળ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ની કામગીરી ચાલી રહી છે. પાલિકાએ આ કામગીરી વધુ સઘન થાય તે માટે એક ઝોનમાં એક એજન્સી સાથે કામગીરી શરુ કરી છે. જોકે, આજે લિંબાયત ઝોનમાં સવારે વાહન ડેપો સામે ડોર ટુ ડોર ના કર્મચારીઓએ વાહન બહાર ઉભા રાખી દીધા હતા. આ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે પગાર આપો પગાર આપો, કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, ત્રણ મહિનાથી કર્મચારીઓને પગાર આપવામાં આવ્યો નથી. જ્યાં સુધી પગાર નહી આપે ત્યાં સુધી વાહનો નહી ચાલે તેવી ચીમકી આપી હતી.
સતત બે કલાક સુધી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શના કર્મચારીઓએ વાહનો થંભાવી સૂત્રોચ્ચાર કરતા પાલિકા તંત્ર પણ દોડતું થયું હતું અને પાલિકા તંત્રએ એજન્સી ના સંચાલકો સાથે વાટાઘાટ કર્યા બાદ એજન્સી અને કર્મચારીઓ સાથે ચર્ચા કર્યા બાદ હડતાળ સંકેલાઈ ગઈ હતી. ત્યારબાદ ડોર ટુ ડોરના વાહનો ચાલુ થઈ ગયા હતા. પાલિકાના કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓ નું શોષણ થતું હોવાની વાત ફરી એકવાર ચર્ચામાં આવી છે.