સુરત પાલિકાના વિપક્ષી નેતાએ ગંદકીથી ખદબદતા વિસ્તારની મુલાકાત કરી સિક્કાની બીજી બાજુ દર્શાવી
- વિપક્ષ નેતા પાયલ સાકરીયા એ વોર્ડ નં. 14 માં ગંદકીથી ઉભરાતા ઉધરસભાયાની વાડી, પાટીચાલ, નરસિંહ મંદિર ટેકરો, આંબાવાડીમાં મુલાકાત લઈ સમસ્યા અંગે ચર્ચા કરી
સુરત,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
સ્વચ્છ ભારત અભિયાનમાં સુરત શહેરને દેશમાં પહેલું સ્થાન મળ્યું છે અને સુરતને ચારેય તરફથી અભિનંદન મળી રહ્યા છે અને પાલિકા સફાઈ કામદારોનું સન્માન કરવા આયોજન કરી રહી છે તો બીજી તરફ પાલિકાના વિરોધ પક્ષના નેતાએ વરાછા ઝોનમા આવેલા ગંદકીથી ખદબદતા વિસ્તારની મુલાકાત કરી સિક્કાની બીજી બાજુ દર્શાવી હતી. તેઓએ પાલિકાના શાસકો અને તંત્રને આ બાજુ બતાવી ગંદકીમાં જીવતા લોકોની સમસ્યાનો હલ લાવવા માટે જણાવ્યું હતું.
ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણમાં ભારત અને ઈન્દોરને સંયુક્ત રીતે પહેલું સ્થાન મળ્યું છે. સુરતને પહેલીવાર દેશમાં સ્વચ્છતા માં પહેલો નંબર મળ્યો છે તો સુરત તેની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. પાલિકાની સામાન્ય સભામાં સ્વચ્છતામા નંબર 1 માટે ભાજપ શાસકો સાથે વિપક્ષ આપે પણ અભિનંદન આપ્યા હતા. જોકે, સામાન્ય સભામાં અભિનંદન આપ્યા બાદ પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ પાલિકા તંત્ર અને ભાજપ શાસકોને સુરત શહેરના સિક્કાની બીજી બાજુ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.
વિપક્ષી નેતા સાકરીયા વરાછા ઝોનમાં આવેલા વિપક્ષ નેતા પાયલ સાકરીયા એ વોર્ડ નં. 14 માં આવેલ ઉધરસભૌયાની વાડી, પાટીચાલ, નરસિંહ મંદિર ટેકરા, આંબાવાડી વિસ્તારમાં પહોંચી ગયા હતા. આ મુલાકાત બાદ તેઓએ કહ્યું હતું કે, લોકો આ નરક જેવી પરિસ્થિતિમાં રહેવા મજબુર છે.ખુલ્લી ગટરો, શેરીઓ જ જાણે ગટર બની ગઈ હોય અને કચરાના ઢગલાથી અહીંના રહીશો ત્રાહીમામ છે. એટલી વિકરાળ પરિસ્થિતિ છે કે રોગચાળો ફાટી નીકળવાનો લોકોમાં ભય છે.શહેર આખામાં સફાઈ થાય છે તો આ વિસ્તારોમાં પણ સફાઈ થવી જોઈએ આ લોકોનું જીવન નર્ક જેવું બની ગયું છે. આમ કહીને તેઓએ શાસકોને કહ્યું હતું કે, ફક્ત અમુક સારા સારા વિસ્તારોમાં ફરીને સંતોષ માની લેવા જેવું નથી આવા વિસ્તારમાં જઈને લોકોની સમસ્યાઓ જાણી તેનું નિવારણ પણ કરવું જરૂરી છે.