જાણો સુરતના ગોડીયા બાવાના મંદિરમાંથી નીકળતી રથયાત્રાનો રસપ્રદ ઈતિહાસ
સુરત, તા. 14 જૂન 2023, બુધવાર
ઘણા ઓછા લોકો જાણતા હશે કે શહેરમાં સૌ પ્રથમ વાર જગન્નાથજીની યાત્રા 600 વર્ષ પહેલાં નીકળી હતી. જોકે આના કરતાં પણ વધુ મહત્વનું છે કે, જે સ્થળેથી પ્રથમવાર સુરતમાં જગન્નાથની યાત્રા નીકળી હતી તે સ્થળ માટે જમીન ઓરિસ્સાથી આવેલા આચાર્યના ચમત્કાર જોઈ મુગલ બાદશાહએ આપી હતી. 600 વર્ષ પહેલા રથયાત્રા કાઢવા માટે પ્રતીમાઓ ઓરિસ્સાના પૂરીથી મંગાવવામાં આવી હતી.
સુરત શહેર ખાતે ગોડીયા બાવાનું મંદિર ઐતિહાસિક મંદિર તરીકે ઓળખાય છે. સુરત માટે આ મંદિર ખૂબ જ મહત્વનું ગણાય છે કારણ કે, સુરતમાં પ્રથમ જગન્નાથજીની રથયાત્રા આજ મંદિર માંથી નીકળી હતી. મંદિરના પૂજારી પદ્મ ચરણદાસજીએ કહ્યું કે, મંદિરમાં 600 વર્ષ પહેલાં આ મંદિરમાં પરિસરની અંદર જ રથયાત્રા કાઢવામાં આવતી હતી પરંતુ વર્ષ 1992થી યાત્રા મંદિર પરિસર બહારથી કાઢવાની શરૂઆત થઈ. વિષ્ણુદાસજી આચાર્યએ ખાસ રથયાત્રા માટે પૂરીથી પ્રતિમાઓ મંગાવી હતી. આ મંદિર 4,500 સ્ક્વેર મીટર જગ્યામાં છે જે મંદિર બનાવવા માટે ખાસ મુઘલ બાદશાહે આચાર્યનો ચમત્કાર જોઈને આપી હતી.
કહેવાય છે કે, ઓરિસ્સાના પુરીથી ત્રણ જેટલા આચાર્યો 600 વર્ષ પહેલા ગુજરાત આવ્યા હતા અને ત્રણેય આચાર્યો ગુજરાતના અમદાવાદ, માંડવી અને સુરત ખાતે રોકાયા હતા. તે સમયે સુરતમાં મુઘલોનું રાજ હતું. કહેવાય છે કે તે સમયે જો કોઈ પણ વ્યક્તિ શંખનાદ કે ઘંટ વગાડે તેને મૃત્યુની સજા કરવામાં આવતી હતી. પૂરીથી આવેલા આચાર્યએ શંખનાદ અને ઘંટ વગાડ્યો હતો. જ્યારે મુગલોના સૈનિકો તેમને જોવા આવ્યા ત્યારે જોયું કે આચાર્યનું ધડ અને માથું અલગ છે. તેઓ પાછા ચાલ્યા ગયા. આવી જ રીતે ત્રણ વાર થયું. સૈનિકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે આ કઈ રીતે શકય બને. આ આચાર્યોએ શંખ અને ઘંટ વગાડ્યો હતો જેથી આ ઘટના અંગે જ્યારે તેઓએ પોતાના બાદશાહને જાણ કરી તો બાદશાહ પોતે ત્યાં પહોંચ્યા. આચાર્યને જોઈ મુગલ બાદશાહ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ચમત્કાર જોઈ મોગલ બાદશાહ એ કહ્યું કે, તમને જે જોઈએ તે કહો પરંતુ તમારી સામાન્ય સ્થિતિમાં આવી જાઓ. આચાર્યએ તેમની પાસેથી જમીનની માંગણી કરી જેથી મુગલ બાદશાહ એ તેમને અહીં જમીન આપી અને આ જમીન પર તેઓએ ભગવાન હરિની સ્થાપના કરી અને ત્યારથી જ આ મંદિરમાંથી રથયાત્રા કાઢવામાં આવે છે. એટલું જ નહીં મુગલે ત્યારથી જ દર વર્ષે 40 રૂપિયા દીવા બાતી માટે આપવાનો નિર્ણય પણ કર્યો હતો. પરંતુ 38 મંદિરના મુખ્ય પૂજારી પદ્મા ચરણદાસ તે નહોતો સ્વીકારતા.
સુરતમાં સૌ પ્રથમ વાર આ જ મંદિરથી રથયાત્રા કાઢવામાં આવી હતી સૌથી અગત્યની વાત એ છે કે, આજે જ આચાર્ય વિષ્ણુજી દાસ સુરત આવ્યા હતા તેઓ રથયાત્રા માટે ત્યાં ઓરિસ્સાના પૂરીથી ત્રણ મૂર્તિઓ પણ લઈને આવ્યા હતા. યાત્રા માટે તેઓએ પુરીના કારીગરો દ્વારા તૈયાર લીમડાના થડ માંથી તૈયાર ત્રણ મૂર્તિઓ લઈને આવ્યા હતા. 600 વર્ષ જૂની આ પ્રતિમા આજે પણ મંદિર પરિસરમાં છે અને દર વર્ષે રથયાત્રા દરમિયાન આ પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. સાથે અન્ય જે ત્રણ મૂર્તિઓ છે તેને રથયાત્રામાં લઈ જવામાં આવતી હોય છે.