સુરતમાં પોંકનું આગમન થાય તે પહેલાં કતારગામમાં કરજણના પોંકની એન્ટ્રી
- વિશ્વમાં પોંક તો વખણાઈ છે સુરતનો પણ
વડોદરા નજીકના કરજણના કેટલાક ખેતરોમાં જુવારના ડુંડા હોવાથી ત્યાંથી પોંક લાવીને સુરતમાં વેચાણ થઈ રહ્યું છે, ડિમાન્ડ સામે આવક ઓછી
સુરત, તા. 02 નવેમ્બર 2020 સોમવાર
પોંકના કારણે સમગ્ર વિશ્વમાં સુરતની ઓળખ ઉભી થઈ છે પરંતુ સુરતમાં પહેલો પોંક સુરતનો નહીં પરંતુ કરજણથી આવે છે તેની જાણ ભાગ્યે જ કોઈને હોય છે. હજી સુરતમાં ઠંડીની શરૂઆત નથી થઈ પરંતુ વડોદરાના કરજણ નજીકના કેટલાક ખેતરોમાં પોંકની જુવારના ડુંડા થઈ ગયાં હોવાથી સુરત કતારગામના વેપારી સુરતમાં પહેલો પોંક કરજણથી લાવીને વેચી રહ્યાં છે. સુરતના પોંક કરતાં કરજણના પોંકની મીઠાસ ભલે ઓછી હોય પરંતુ પહેલો વેચાતો પોંક હોવાથી કતારગામમાં આ પોંકની ડિમાન્ડ વધુ જોવા મળે છે.
સુરતમાં છેલ્લા કેટલાક વખતથી પોંકની ભઠ્ઠીની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને સુરતની પોંક નગરીમાં નવેમ્બર માસના અંત સુધીમાં વેચાણ શરૂ થાય છે.
પોંક નગરીમાં નવેમ્બર માસના અંત સુધીમાં પોંકનું વેચાણ થાય છે પરંતુ સુરતના કતારગામ વિસ્તારમાં નવેમ્બર માસની શરૂઆતમાં જ પોંકનું વેચાણ થઈ જાય છે. પોંક માટે જાણીતી પોંક નગરી કરતા કતારગામમાં પોંકનું વેચાણ થાય તે ક્યાંથી આવે છે તેની ભાગ્યે જ કોઈને ખબર હોય છે. કતારગામમાં પોંકનું વેચાણ થાય છે તે સુરતનો નહીં પરંતુ વડોદરા નજીકના કરજણનો છે તે ભાગ્યે જ કોઈને ખબર છે.
કતારગામમાં પોંકનું વેચાણ કરતાં દિપક વિરાણીએ જણાવ્યુ હતુ કે, સુરતમાં પહેલો પોંક વેચવો એ મારી ઓળખ છે તેને જાળવી રાખવા માટે હું ઓક્ટોબર માસ પુરો થાય તે પહેલાં જ કરજણના ખેતરોમાં પોંકની જુવાર ક્યાં હોય છે તેની તપાસ શરૂ કરી દે છે. જે ખેતરમાં આ જુવાર હોય ત્યાંથી જુવાર લાવી સુરતમાં પોકનું વેચાણ કરે છે. જોકે, આ પોંકની માત્રા ત્રણથી પાંચ કિલોની જ હોય છે તેથી ડિમાન્ડ વધુ છે પરંતુ પોંકની આવક ઓછી છે.
હાલ ડિમાન્ડ વધુ અને આવક ઓછી હોવા છતાં પણ અમે લોકો સામાન્ય દિવસોમાં પોંક વેચાણ થાય છે એટલી જ કિંમતે એટલે 500 રૂપિયા કિલો જ પોંકનું વેચાણ કરીએ છીએ.
સુરતમાં સૌથી પહેલો પોંક અમે વેચતાં હોવાથી લોકો પણ પોંક ઓછી માત્રામાં લઈ જાય છે અને પરિવાર સાથે પોંકની મઝા માણે છે. ત્યાંથી ડુંડા લાવીને પોંકનું વેચાણ કરવું હાલ શક્ય ન હોવાથી અમે જે ખેતરમાં જુવાર હોય તેની નજીકથી જ પોંક પડાવીને મંગાવી રહ્યા છે.
સપ્તાહમાં બે જ દિવસ પોંકનું વેચાણ થાય
સુરતમાં પોંકનું વેચાણ સૌથી પહેલું કતારગામમાં થાય છે પરંતુ અઠવાડિયામાં બે વખત જ પોંક આવે છે અને બાકીના દિવસોમાં પોંક વડા અને સેવનું વેચાણ કરવામાં આવે છે. સુરતમાં પોંકના વેચાણમાં હજી વીસેક દિવસનો સમય છે તે પહલાં કતારગામમાં પોંકના વેચાણ માટે વેપારી કરજણથી પોંક મંગાવે છે પરંતુ ત્યાના ખેતરોમાં પણ હજી પુરો પાક ન હોવાથી અઠવાડિયામાં બે વાર જ પોંક લાવે છે અને તે પણ ત્રણથી પાંચ કિલોની વચ્ચે જ પોંક આવે છે. વડોદરાથી આવતો પોંક સુરત જેટલો મીઠો અને સોફ્ટ ન હોવા છતાં પહેલો પોંક કતારગામ મળતો હોવાથી લોકો ત્યાં પોંક લેવા જાય છે.